રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના ટીકર ગામે આજરોજ રૂપિયાની લેતી-દેતી બાબતે અને જુના મનદુખના કારણે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને મોરબી કેટલાક શખ્સોએ બોલાવવામાં આવ્યા હોવાથી તેઓ બાઇક લઇને મોરબીથી મારામારી કરવા માટે ટીકર ગામે આવ્યા હતા. ત્યારે ગામના લોકોએ મોરબીથી આવેલા શખ્સો પૈકીના બે શખ્સના બાઇકને સળગાવી નાખ્યા હતા અને આ બનાવની અંદર બંને જુથના કુલ મળીને આઠ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત હોવાથી હાલમાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને પોલીસે આ બનાવની નોંધ કરીને ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી હોવાની માહિતી જાણવા મળે છે
બનાવની પોલીસ પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા શાંતિભાઈ શંકરભાઈના દિકરા અને કાચરોલા વિમલભાઈના દીકરાને રૂપિયાની લેતી-દેતી અને જુના મનદુખ બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ વિમલભાઇના દિકરાએ તેના મોરબી રહેતા મિત્રોને બોલાવ્યા હતા જેથી કરીને નયનભાઈ અને અન્ય પાંચ શખ્સો બાઈક ઉપર ટીકર ગામે આવ્યા હતા અને ત્યારબાદ ગામના પાદરમાં બેઠેલ શાંતિભાઈ શંકરભાઈના દીકરાને આડેધડ મારવા માંડ્યા હતા અને છરીના ઘા માર્યા હતા જેથી કરીને ગ્રામજનો તેને બચાવવા માટે વચ્ચે પડ્યા હતા ત્યારબાદ મોરબીથી આવેલા શખ્સોને પણ મારમારવામાં આવ્યો હતો અને મોરબીથી આવેલા શખ્સોના બે બાઇકને સળગાવી નાંખવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને હાલમાં મોરબી ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે.આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ટિકર ગામ ખાતે બંદોબસ્ત ગોઠવી દીધા છે અને હાલમાં ફરિયાદ લેવા માટે થઈને તજવીજ હાથ ધરી હોવાનું જણાવેલ છે.