રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
આદિનાથ ભગવાન મહા વદ 13ના દિવસે 10000 સાધુની સાથે અષ્ટાપદ પર્વતથી મોક્ષે ગયા હતા આદિનાથ ભગવાન અને બીજા સાધુઓના ત્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો. આદિનાથ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તીએ અષ્ટાપદ પર્વત પર જિનાલય બંધાવ્યું.
અષ્ટાપદ પર્વત પર ભરત ચક્રવર્તીએ સિંહ નિષધા નામનું જિનાલય બંધાવ્યું. તે એક યોજન લાબું , અડધો યોજન પહોળું અને ત્રણ ગાઉ ઊંચું હતું. ભરત ચક્રવર્તીએ 24 ભગવાનની નિજ દેહ પ્રમાણ , લાંછન , વર્ણ , યક્ષ – યક્ષિણી યુક્ત 4 દિશામાં રત્નની મણિમય પ્રતિમા ભરાવી હતી. સાથે મરુદેવી માતા , 99 સંયમી ભાઈઓ , બ્રાહ્મી અને સુંદરીની પ્રતિમા ભરાવી હતી.
અષ્ટાપદ તીર્થની પૂર્વ દિશામાં આદિનાથ ભગવાન અને અજિતનાથ ભગવાન. દક્ષિણ દિશામાં સંભવનાથ , અભિનંદન સ્વામી , સુમતિનાથ અને પદ્મપ્રભ સ્વામી. પશ્ચિમ દિશામાં સુપાર્શ્વનાથ , ચંદ્રપ્રભ સ્વામી , સુવિધિનાથ , શીતલનાથ , શ્રેયાંસનાથ , વાસુપૂજય સ્વામી , વિમલનાથ અને અનંતનાથ. ઉત્તર દિશામાં ધર્મનાથ , શાંતિનાથ , કુંથુનાથ , અરનાથ , મલ્લિનાથ , મુનિસુવ્રત સ્વામી , નમિનાથ , નેમિનાથ , પાર્શ્વનાથ અને મહાવીર સ્વામી.
આ અષ્ટાપદ તીર્થ હિમાલયથી ઉત્તર દિશા તરફ જતાં આવે છે. અષ્ટાપદ તીર્થ શત્રુંજયથી આશરે 185000 ગાઉ દૂર છે. અષ્ટાપદ પર્વત 526 યોજન 6 કલાનો છે. અષ્ટાપદ તીર્થ 32 કોષ પ્રમાણ છે. અષ્ટાપદ તીર્થને 8 પગથિયાં છે. 1 પગથિયું 1 યોજનનું છે.
રાવણ અને મંદોદરીએ અષ્ટાપદ તીર્થ પર પ્રભુ ભક્તિ કરી હતી , પ્રભુ ભક્તિ કરતા રાવણે તીર્થંકર નામ કર્મ બાંધ્યું હતું. ગૌતમ સ્વામી અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા આવ્યા હતા અને એમને ત્યાં જગ ચિંતામણી સૂત્રની રચના કરી. આ તીર્થની સુરક્ષા કરવા માટે સગર ચક્રવર્તીના 60000 પુત્રોએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી. વીરસૂરિજી મ.સા. અષ્ટાપદ તીર્થની યાત્રા કરવા ગયા હતા પણ ત્યાં રહેલ દેવના તેજને સહન કરી શક્યા નહી. મંદિરની પાસે રહેલી પૂતળીની પાછળથી પ્રભુના દર્શન કર્યા હતા.
મહાવીર સ્વામી ભગવાને કહ્યું છે કે જે મનુષ્ય સ્વલબ્ધીથી અષ્ટાપદ તીર્થની યાત્રા કરીને ત્યાં રહેલ ભગવાનની ભક્તિ કરે તે મનુષ્ય તે જ ભવમાં મોક્ષે જાય છે.