રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
અમદાવાદ જિલ્લા પંચાયત પર હાલ ભાજપનું શાસન છે અને જિલ્લા પંચાયત દ્વારા દર વર્ષે ચૂંટાયેલી પાંખોની હાજરીમાં વાર્ષિક સામાન્ય સભા અને બજેટ રજૂ કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીના કારણે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ મે મહિનાના અંત સુધીમાં રજૂ થયું ન હતું અને હજુ પણ અમદાવાદ શહેરની પરિસ્થિતિ કફોળી હોવાથી આ વર્ષે અમદાવાદ જિલ્લા પંચાયતનું બજેટ સામાન્ય સભા ઈતિહાસમાં સૌપ્રથમ વખત ગ્રીનઝોન માંડલ ખાતે દસાડા રોડ પર આવેલ રેસ્ટહાઉસ ખાતે બપોરે 11.00 કલાકે મળી હતી. જેમાં વિરમગામ મત વિસ્તારના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, સાણંદ કનુભાઈ પટેલ, ધંધુકા ધારાસભ્ય ઉપસ્થિત રહ્યાં હતાં. આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ, નાયબ DDO, પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ તેમજ ઉપપ્રમુખ અને સત્તા પક્ષ અને વિપક્ષની સૌ ચૂંટાયેલા સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે માંડલ, વિરમગામ તાલુકા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આ અમદાવાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભાની શરૂઆત રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી. અમદાવાદ જિલ્લા પંચાયતનું 2020-21 નું બજેટ ૧૦ વિપક્ષ અને ૨૦ સભ્યોની બહુમતીથી અંદાજપત્ર-બજેટ પસાર થયું હતું. જોકે આ સભામાં વિપક્ષના સભ્યોએ દલિત-આદિવાસી સમાજને થતો અન્યાય અંગે પ્રમુખ પર શાબ્દિક બાણ છોડ્યા હતાં તથા શાળા-કોલેજ,પીવાના પાણી, રમતગમત માટે મેદાન કોરોનાની મહામારીની કિટો,માસ્ક,સેનીટાઈઝર અનેક બાબતો પર પક્ષ-વિપક્ષ વચ્ચે શાબ્દિક અથડામણ પણ થઈ હતી. આ સભામાં જિલ્લામાં વકરી રહેલી કોરોનાની મહામારીને વિશેષ મહત્વ અપાયું હતું. આમ અનેક મુદાઓ સહિત વિપક્ષની ધારદાર રજુઆત વચ્ચે આ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું આ સભાના અંતે ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે મતવિસ્તારમાં આ સામાન્ય સભા યોજાતા ખુશી વ્યક્ત કરતાં જિલ્લા તંત્રનો આભાર માન્યો હતો.