મહીસાગર જિલ્લાના લુણવાડા, બાલાસિનોર તથા સંતરામપુર તાલુકાના અંદાજે 30 જેટલા મુસ્લિમ શ્રદ્ધાળુઓ હજ યાત્રા કરવા માટે મક્કા મદીના ગયા હતા. જ્યાંથી પરત આવતા બાલાસિનોરના 75 વર્ષીય વૃદ્ધને અસ્થમાની બીમારી હોવાથી અમદાવાદ એરપોર્ટ પર તબિયત બગડતાં તેમને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોનાનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
બે દર્દીઓ મહીસાગર જિલ્લાના હોવા અંગેની વાતો પણ ચગડોળે ચઢી
જે મેડિકલ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો. આખો દિવસ સમગ્ર જિલ્લામાં કોરોનાના બે દર્દીઓ મહીસાગર જિલ્લાના હોવા અંગેની વાતો પણ ચગડોળે ચઢી હતી. સોશિયલ મિડીયા પર કેટલાક ખોટા ભય પેદા કરતા મેસેજ ફોરવર્ડ કર્યા હતા જે અંગે જિલ્લા કલેક્ટરે તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરવા આદેશ આપ્યો હતો.
અફવાઓથી દૂર રહેવા તંત્રની અપીલ
હાલમાં કોરોના વાઇરસ અંગે સમગ્ર વિશ્વ મહામારીનો સામનો કરી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં આ અંગે કોઇ કેસ નોંધાયેલો નથી. અને ફેક અને પાયાવિહોણા કોરોના વાઇરસ અંગેના સોશિયલ મીડીયામાં વ્હોટસેપ ગ્રુપમાં સમાચાર ફરતા થયા છે. તે સત્યથી વેગળા છે. તેવી અફવાવોથી દુર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.