રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ તંત્ર દ્વારા ફેન્સીંગ કામગીરી ચાલી રહી છે, જેનો ગ્રામજનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. એક તરફ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે, તો બીજી બાજુ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ પણ આ વિરોધ સાચો છે કે ખોટો? એ મામલે મૌન સાધ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં લોકડાઉન દરમિયાન ફેન્સીંગના વિરોધના પડઘા દિલ્હી સુધી પડ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ આ પ્રશ્ન ઉઠાવ્યો છે, એક તરફ વિવિધ આદિવાસી સંગઠનો પણ અસરગ્રસ્તોને સાથ આપી રહ્યા છે, ત્યારે ભાજપ પણ હવે મેદાનમાં આવ્યું છે. ગુજરાત ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને આ મામલે એક પત્ર લખ્યો છે.
મનસુખ વસાવાએ પોતાના પત્રમાં જણાવ્યા મુજબ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના અસરગ્રસ્તો અને નિગમના અધિકારીઓ-પોલીસ વચ્ચે છેલ્લા 10 દિવસથી તાર-ફેન્સીંગની કામગીરીને લઈને ઘર્ષણ થઈ રહ્યું છે. ગુજરાતના આદિવાસી સંગઠનો, રાજકીય પક્ષો અસરગ્રસ્તોના સમર્થનમાં આવી રહ્યા છે, જેથી ઘર્ષણનું વાતાવરણ બની રહ્યું છે.
ભાજપ સાંસદે વધુમાં લખ્યું છે કે, તમારી મધ્યસ્થતાથી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવે અને જ્યાં સુધી કોઈ કાયમી ઉકેલ ન આવે, ત્યાં સુધી એ વિસ્તારમાં તાર-ફેન્સીંગ કામગીરી સ્થગિત રાખવાની માંગ કરી છે.