રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટમાં મોટાપાયે ગેરરીતિ થતી હોવાના આક્ષેપો સાથે તાજેતરમાં કારોબારી સમિતિના સભ્યોએ રૂ. ૨.૭૦ કરોડના કામો ચર્ચા વિચારણા વગર જ સભ્યોને અંધારામાં રાખીને બહાલ કરાવી દીધા હોવા અંગેની રજૂઆત કરીને જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએ સભ્યોએ ફરિયાદ કરીને હેડની કામગીરી અટકાવવાની માંગ કરી હતી.
ત્યારબાદ બે દિવસથી સોશિયલ મીડિયા પર કારોબારી સમિતિના ચેરમેન તથા એક ગામના સરપંચની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઇ રહી છે, જેમાં સરપંચ અને કારોબારી સમિતિના ચેરમેન વચ્ચે ગ્રાન્ટની ફાળવણી અને ૨૦ ટકા કમિશનનો વહીવટ થતો હોવાની વાત સંભળાઈ રહી છે.
આ ઓડિયો ક્લિપમાં સરપંચ પોતાના ગામમાં શિક્ષણ વિભાગના કામોની ગ્રાન્ટની વ્યવસ્થાની રજૂઆત કરે છે, તો સામા પક્ષે કારોબારી સમિતિના ચેરમેન તરીકે બોલતા વ્યક્તિ એવું કહેતા સંભળાય છે કે, આ કામ માટે ૨૦ % કમિશન આપવું પડે. જો તૈયારી હોય તો પોતે વહીવટ ગોઠવી દે આવી વાત બધા સાથે ન કરાય સંબંધમાં બધું ગોઠવાતું હોય છે તેવા ટૂંકસાર સાથેની આ વાતચીતમાં જૂનાગઢ જિલ્લા પંચાયતનો વિકાસ વહીવટ ૨૦ ટકાના કમિશન થી ચાલતો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
જિલ્લા પંચાયત એટલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની માતૃ સંસ્થા ગણાય અહીંથી જિલ્લાભરના વિકાસ કામોને મંજૂરી અને કામના અમલ થાય છે, ત્યારે જિલ્લા પંચાયતના કી પર્શન ગણાતા કારોબારી સમિતિના ચેરમેન સામે અગાઉ સભ્યોને અંધારામાં રાખીને આઈટમ મર્જ ૭/૧૦ અને ૭/૧૨ વિના ચર્ચાએ અને વિગતો પાછળથી જોડીને કારોબારી સમિતિના અન્ય સભ્યોને અંધારામાં રાખ્યા હોવાનો આક્ષેપ કરીને આઈટમ પુનઃ વિચારણામાં લેવાની નાયબ જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આ પ્રકરણ હજુ પ્રક્રિયામાં છે ત્યાં આજે કારોબારી સમિતિ ચેરમેન સામે જિલ્લા પંચાયતનો વહીવટ ૨૦ ટકામાં થતો હોવાની ટૂંકસાર વાત સરપંચની સાથે ટેલિફોનિક વાતચીતનો ઓડિયો વાયરલ થતાં જિલ્લા પંચાયત ક્ષેત્ર અને રાજકારણની સાથે-સાથે વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.