કોરોના વાઈરસની દવા હજુ સુધી ન શોધાઈ હોવાથી વિશ્વભરમાં ડરનો માહોલ પેદા થયો છે. ત્યારે સિનિયર સિટિઝનનો ભોગ લઈ રહેલા કોરોનાથી બચવા માટે સુરતના સિનિયર સિટિઝનોએ યોગનું શરણું લીધું છે. અડાજણ વિસ્તારમાં આવેલા જ્યોતિન્દ્ર દવે ગાર્ડનમાં વિશેષ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યોગ પ્રાણાયામ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધે તેવા આસનો અને શ્વસન ક્રિયાઓ કરાવવામાં આવી રહી છે.
યોગ-પ્રાણાયામથી રોગ પ્રતિકારક શક્તિ વધે
યોગ અને પ્રાણાયામ કરાવી રહેલા યોગ ગુરુ મહેશભાઈ ગાંધીએ જણાવ્યું હતું કે, ગાર્ડનમાં 15 વર્ષથી યોગ અને પ્રાણાયામ કરાવવામાં આવે છે. નિઃશુલ્ક યોગ શિબિરમાં 110 લોકો ભાગ લેતા હોય છે. અડાજણ જ્યોતીન્દ્ર દવે ગાર્ડનમાં ચાલી રહેલા આ શિબિરમાં 50 થી 85 વર્ષ સુધીના લગભગ 100થી વધુ સિનિયર સીટીઝન લોકો નિયમિત ભાગ લઈ રહ્યા છે. મહેશભાઈનો દાવો છે કે, નિયમિત યોગ અને પ્રાણાયામ કરનાર આ તમામ સિનિયર સીટીઝનને આજદિન સુધી શરદી-ખાંસી થઈ નથી. એટલું જ નહીં પણ કોરોના જેવા અનેક જીવલેણ વાઇરસ સામે યોગ અને પ્રાણાયામ ખૂબ જ લાભદાયી સાબિત થયા છે. રોજ સવારે લગભગ એક કલાક સુધી પ્રાણાયામ, ભત્સ્રિકા પ્રાણાયામ, કપાલ ભાતિ અનુલોમ વિલોમ પ્રાણાયમ કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જે તમામ વાઇરસ સામે લડવામાં મદદ કરે છે.