રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ
પોલીસે પીએમ માટે દફનવિધિ કરાયેલી લાશને બહાર કાઢી
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં રહેતો એક ૪૦ વર્ષીય આશાસ્પદ યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનો દ્વારા આ યુવાનને સમાજના રિતી રિવાજ મુજબ કબ્રસ્તાનમાં દફન કરી દેવામાં આવ્યો હતો. આ યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી હશે તેનો ખ્યાલ પરિવારજનોને પણ સતાવતો હતો ત્યારે આજરોજ આ મૃત યુવકના મોબાઈલ ફોનની પરિવારજનો દ્વારા તપાસ કરતાં બજાર ફાઈનાન્સથી લીધેલ મોબાઈલના હપ્તાની ઉઘરાણી માટે તેમના જ વિસ્તારમાં રહેતા એક ઈસમ તેને હપ્તાના પૈસા આપી દેવા ડરાવી,ધમકાવી તેમજ મારી નાંખવાની ધમકીઓ આપતા આ ૪૦ વર્ષીય યુવાને ઉઘરાણીના ત્રાસથી આત્મહત્યા કરી દેવાનું મૃતક યુવકના સંબંધીએ નામજાગ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ કાફલો કબ્રસ્તાન ખાતે પહોંચી ગયો હતો જ્યા દફન કરેલ યુવકની લાશને કબરમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાને રવાના કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ વાયુવેગે નગરમાં ફેલાતા ચકચાર સહિત ખળભળાટ મચી જવા પામ્યો હતો.
તા.૨૭મી મે ના રોજ વહેલી સવારના ૪.૩૦ વાગ્યાના સમયગાળા દરમ્યાન પોતાના ઘરે સીડીઓની છતની હુક સાથે દોરડું બાંધી ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બાબતની જાણ પરિવાજનોને થતાં સૌ કોઈ મૃતકના ઘરે દોડી ગયા હતા. મૃતદેહને નીચે ઉતારી પરિવારજનો દ્વારા સગાસંબંધીઓની હાજરીમાં દાહોદના છાપ તળાવ પાસે આવેલ કબ્રસ્તાનમાં દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. દફનવિધિ કર્યા બાદ તમામ ઘરે આવતા મૃતકના પુત્રએ પરિવારજનોને જણાવ્યું હતુ કે, મારા પિતાના મોબાઈલ ફોન પર કોઈકનો ફોન આવ્યો હતો અને ફોન પર હપ્તાની ઉઘરાણી વિશે વાતચીત ચાલતી હતી અને ઉગ્ર બોલાચાલી પણ ચાલી હતી. આ બાદ મૃતકના ભાઈ દ્વારા તેના ભાઈનો મોબાઈલ ફોન ચેક કરતાં તેમાં રહેલ કોલ રેકોર્ડિંગ પણ ચેક કરી હતી જેમાં જાવેદ કાજી (રહે.દાહોદ, કસ્બા, જુનાવણકરવાસ) નો પણ ફોન રેકોર્ડ હોઈ તે સાંભળતા જાવેદભાઈ દ્વારા ફોન પર બેફામ ગાળો બોલતા હતા અને મૃતકને કહેતા હતા કે, બજાજ ફાઈનાન્સમાંથી મોબાઈલ લીધેલ જેના હપ્તાના પૈસા આપી દે, તેમ કહેતા મૃતકે એમ પણ જણાવ્યું હતુ કે, હમણા પૈસા નથી અને હું બેંકમાં હપ્તા કપાઉ છુ, તેમ કહેતા જાવેદભાઈએ કહેલ કે, તારા હપ્તાના પૈસા જમા થયેલ નથી, તુ પૈસા આપી દે, તેમ કહી ગાળો બોલી તેરી ગરદન કાટ ડાલુંગા, તેરે ટુકડે ટુકે કરકે ફેંક દુંગા તેવી ધમકી જાવેદભાઈએ મૃતકને આપી હતી.