રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસના 6 ગામોમાં સર્વે અને ફેન્સીંગ કામગીરી મામલે અવાર નવાર ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો બન્યા જ કરે છે.થોડા દિવસો અગાઉ ગ્રામજનોએ કેવડિયા પોલીસ મથકનો ઘેરાવો પણ કર્યો હતો.ત્યારે હાલમાં 27મી મેં ના રોજ ફરી પોલીસ અને ગ્રામજનો વચ્ચે ફેન્સીંગ કામગીરી બાબતે માથાકૂટ થઈ હતી, તંત્ર દ્વારા કેવડિયા ગામમાં ફેન્સીંગની કામગીરી ચાલી રહી હતી દરમિયાન ગ્રામજનો વિરોધ કરવા ઉતરી પડતા પોલીસે વિરોધ કરનારા લોકોને ડિટેન કર્યા છે, એ ડિટેન કરનારામાં મહિલાઓનો સમાવેશ થાય છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના કેવડીયા ગામના હેલિપેડ ફળિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ફેન્સીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરીનો ગામ લોકોએ સ્થળ પર જઈ વિરોધ કરતા મામલો બીચકયો હતો.ગામ લોકો પોતાના વિરોધ દરમિયાન અધિકારીઓને એમ કહ્યું હતું કે આ કામગીરી કોની મંજૂરીથી કરી રહ્યા છો, જો લેખિતમાં ઓર્ડર હોય તો તે અમને બતાવી ત્યાર બાદ કામગીરી ચાલુ કરો એવી માંગ કરતા પોલીસ તથા ગ્રામજનો વચ્ચે શાબ્દિક બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા.જો કે આ ઘટના બાબતે કેવડિયા પીઆઈ ચૌધરીએ ખાલી એટલું જ જણાવ્યું હતું કે ફેનસિંગ કામગીરી દરમિયાન ગ્રામજનોએ વિરોધ કર્યો હતો, અને 8-10 લોકોને ડિટેન કર્યા છે.મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ગ્રામજનો અને નિગમના અધિકારીઓ વચ્ચે આ સમસ્યા ચાલી રહી છે.પણ બને છે એવું કે ગ્રામજનોનું ઘર્ષણ પોલીસ સાથે થાય છે.તો આટલા આટલા ઘર્ષણના બનાવો બનવા છતાં ગ્રામજનો કોઈ પણ ભોગે જમીનો આપવા માંગતા નથી ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરાઈ રહ્યો છે.
વૃધ્ધાએ પોલિસને કહ્યું મારી નાખો મને, સરકારે અમને કઈ નથી આપ્યું
કેવડિયાના હેલિપેડ ફળિયામાં તંત્રના અધિકારીઓ પોલિસ કાફ્કા સાથે ફેનસિંગ કામગીરી માટે આવ્યા ત્યારે માહોલ ગરમાયો હતો.ગ્રામજનોએ પોલીસ સામે પોતાની માંગણીઓ રજૂ કરતા મામલો ગરમાયો હતો.દરમિયાન એક વૃધ્ધા પોલિસ પાસે ધસી આવી હતી અને કેહવા લાગી હતી કે અહીંયા કેમ આવ્યા, મારી નાખો મને, એક તો સરકારે અમને કશું આપ્યું નથી અને તમે અમારી જમીનો લેવા આવ્યા છો.
MLA છોટુ વસાવાએ સોશ્યિલ મીડિયાના માધ્યમથી વિરોધ કરવા લોકોને આહવાન કર્યું
આદિવાસી નેતા અને MLA છોટુ વસાવાએ પોતાના સોશ્યિલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે પોલિસ બળ પ્રયોગ કરીને ગ્રામજનોને ધમકાવે છે.ગુજરાત સરકાર કેવડિયા આસપાસના 14 ગામના આદિવાસીઓનો અવાજ દબાવી રહી છે.
એક મહિલાની તબિયત લથડતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
કેવડિયામાં ફેન્સીંગ કામગીરી દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસ દ્વારા મહિલાઓને ડિટેન કરાઈ હતી.દરમિયાન એ મહિલાઓને રાજપીપળાના જીતનગર પોલિસ હેડ ક્વાર્ટર ખાતે લવાઈ હતી, એ પૈકી શારદા નરેન્દ્ર તડવી નામની એક મહિલાની તબિયત લથડતા એમને સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાયા હતા.શારદાબેન તડવીએ જણાવ્યું હતું કે ઘર્ષણ દરમિયાન અમને રાજપીપળા લવાઈ રહ્યા હતા ત્યારે મને ગભરામણ થઈ હતી અને એ બાદ મને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લવાઈ છે.