ઓનલાઈન મની ટ્રાન્સફર કરતા વેપારીઓને ચેતવતો એક કિસ્સો અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારમાં બન્યો છે. Cash payme નામના વેબ પોર્ટલથી ઓનલાઈન મની ટ્રાન્સફર માટે વધુ કમિશન મળશે તેમ કહી રોકડા રૂપિયા લઈ ગ્રાહકોના ખાતામાં 3 લાખ રૂપિયા જમા કરાવ્યા ન હતા. વેપારીએ આ મામલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
નિકોલની નારાયણ રેસિડેન્સી વિસ્તારમાં રહેતા મૃગેશ પટેલ ઠકકરબાપાનગરમાં યુનિવર્સલ કાફે ધરાવી અને મની ટ્રાન્સફરનું કામ કરે છે. દિપક અને અંશુલ શાહ નામના બે વ્યક્તિ તેમની ઓફિસે આવ્યા હતા અને cash payme નામના વેબ પોર્ટલથી મની ટ્રાન્સફર કરશો તો વધુ કમિશન મળશે તેમ કહ્યું હતું. જેથી મૃગેશે વિચારીશું એમ કહ્યું હતું. બીજા દિવસે ફરી બંને લોકો આવ્યા હતા અને વેબ પોર્ટલ વિશે વાત કરી ઓનલાઈન આઇડી મારફતે ગ્રાહકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકશે. 11 માર્ચથી 15 માર્ચ સુધીમાં અલગ અલગ રકમ મોકલી હતી. કેટલાક ખાતામાં રૂપિયા ટ્રાન્સફર ન થતા બંનેને વાત કરી હતી તેઓએ સર્વત ડાઉન થયું હોવાનું કારણ આપ્યું હતું. 3 લાખ રૂપિયા ખાતામાં ટ્રાન્સફર થયા ન હતા. પૈસા ટ્રાન્સફર ન થતા બંનેને ફોન કર્યા પરંતુ બંધ આવ્યા હતા. વેબ પોર્ટલ પર લોગીન કરતા થયું ન હતું. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.