રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
કોરોના મહામારી વચ્ચે હાલ લોકડાઉન અમલી બનાવાયું છે.સરકારે નિયમોના કડક પાલન સાથે દિવસ દરમિયાન લોકડાઉનમાં અમુક છૂટછાટ અપાઈ છે.હવે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારમાં પોલિસ દ્વારા વાહનોનું ચેકીંગ કરી જરૂરી દસ્તાવેજો ન હોય એ વાહનોને ડિટેન કરવાની કામગીરી ચાલી રહી હતી. એ કામગીરી દરમિયાન ડેડીયાપાડાના CPI ચૌધરી સાથે BTP ના કાર્યકર અને એમના સથી દ્વારા ગેરવર્તણૂક કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે.
નર્મદા જિલ્લા BTP આગેવાન ચૈતર વસાવાએ આ વાયરલ વિડીયો બાબતે જણાવ્યું હતું કે લોકડાઉન દરમિયાન પોલિસ મોઝદા રોડ પર કાચો માલ લઈ જતા લોકોની ગાડીઓને રોકતા હતા, એમની પાસે જરૂરી ડોક્યુમેન્ટ હોવા છતાં પોલીસ એમની પાસે પૈસા માંગતી હતી. આ બાબતની ફરિયાદ મને મળી હતી એથી હું ત્યાં ગયો હતો.જે પૈસા આપે એની ગાડી જવા દે અને જે પૈસા ન આપે એની ગાડી ડોક્યુમેન્ટ હોવા છતાં પોલીસ રોકતી હતી.દરમિયાન ડેડીયાપાડા CPI ચૌધરી સાથે મારે આ બાબતે થોડીક રકઝક પણ થઈ હતી.જો કે અંતે પોલીસે ગાડીઓ જવા દીધી હતી અને સમાધાન થતા અમે ત્યાંથી નીકળી ગયા હતા.
બીજી બાજુ ડેડીયાપાડા CPI ચૌધરીએ જણાવ્યું હતું કે અમે રમઝાન ઈદ બંદોબસ્ત દરમિયાન લોકડાઉનના અમલ માટે જેની પાસે જરૂરી ડોક્યુમેન્ટ ન હોય એમની ગાડીઓ રોકતા હતા.અમુક લોકો પાસે ફોર વહીલનું લાયસન્સ હતું હેવી મોટર વિહિકલનું ન્હોતું, એવી ગાડી અમે ડિટેન કરી તો ચૈતર વસાવાએ મને કહ્યું કે કેમ ગાડી ડિટેન કરી, અમે ગાડીઓ વાડા પાસેથી પૈસા લઈએ છે એ ઉપજાવી કાઢેલી વાત છે, પોલીસને દબાવવાના અને ખોટા પાડવાના પ્રયાસ છે.ગેરવર્તણૂક બાબતે ચૈતર વસાવા પર ગુનો નોંધાવો જોઈએ કે નહીં એ બાબતે CPI ચૌધરીએ જણાવ્યું હતું કે ગુનો નોંધાવો જોઈએ સાચી વાત છે પણ એક બીજાનું માન રાખવું જોઈએ, લેટ ગો ની ભાવના રાખી છે.ચૈતર વસાવા સામેના કેસની તપાસ પણ હું કરી રહ્યો છું એટલે કદાચ એમને મનદુઃખ થયું હોવું જોઈએ.એમ જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે એક તરફ CPI ચૌધરીએ પોતાના સાથે બનેલી આ ઘટના બાબતે ગુનો નોંધાવો જોઈએ કે નહીં એ મામલે કોઈ ચોખવટ કરી ન હતી, તો બીજી બાજુ પોલિસનું મોરલ ડાઉન ન થાય એ કારણે અમુક પોલિસ અધિકારીઓએ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જિલ્લા પોલિસ વડા સમક્ષ કરી છે.હવે નર્મદા જિલ્લા પોલિસ વડા શુ નિર્ણય લે છે એ જોવું રહ્યું.
પોલીસના ફેવરમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા મેસેજ
આ ઘટના બાદ પોલિસના ફેવરમાં સોશિયલ મીડિયામાં લોકોએ મેસેજ વાયરલ કર્યો છે જેમાં એમ જણાવાયું છે કે, કોરોના વોરિયર્સ પર રાજકીય દબાણ કરાઈ રહ્યું છે.5 મહિના બાદ ચૂંટણી આવી રહી છે એટલે રાજકીય આગેવાનો પોલિસ સાથે દાદાગીરી કરી રહ્યા છે.પોલિસ જો કાયદેસરની કાર્યવાહી કરે તો રાજકીય દબાણ આવે છે અને જો ન કરે તો અધિકારીઓ નોટિસ આપે છે.આ બનાવ નર્મદા પોલીસ માટે દુઃખદ કહેવાય, જો અધિકારીઓની આ દશા કે તો કોન્સ્ટેબલો બિચારા શુ કરતા હશે.
પ્રાયમરી તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થશે:હિમકરસિંહ, નર્મદા DSP
નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે જણાવ્યું હતું કે આવો વિડીયો સામે આવ્યો છે.એ વીડિયોની પ્રાથમીક તપાસ થશે, કોણ શુ બોલ્યું છે, ક્યાં કારણથી બોલ્યું છે, કઈ બાબતે આ ઘટના બની હતી.આ તપાસ બાદ જો ગુનો બનતો હશે તો યોગ્ય કાર્યવાહી કરાશે.