રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં રણતીડ ઉપદ્રવની શક્યતાઓને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઈ દિશા માંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યા ગામે કઈ સીમમાં બેઠા તે અંગેની માહિતી તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારશ્રી, તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારીશ્રી કે મદદનીશ ખેતી નિયામકશ્રીની કચેરી ખાતે તાત્કાલિક જાણ કરવી આવશ્યક છે.
તીડ નિયંત્રણ માટે ગ્રામકક્ષાએ તીડ નિયંત્રણ યુનિટ સરપંચ અને પ્રગતીશીલ ખેડૂતોની આગેવાનીમાં કાર્યરત કરવું. જેમાં જીપ/ટ્રેલર/ટ્રેકટર તૈયાર રાખવું, દવા છંટકાવ માટે કૂટ સ્પ્રેયર અથવા પાવર ઓપ સ્પ્રેયર તૈયાર રાખવા. તીડની ગીચતા ના આધારે ઉપદ્રવીત વિસ્તારમાં વહેલી સવારના સમયે ક્લોરપાયરીફોસ ૨૦ ટકા ઈસી (૨૪ મીલી), ૫૦ ટકા ઈસી (૧૦ મીલી), લેમડાસાય્હેલોથ્રીન ૫ ટકા ઈસી (૧૦ મીલી), મેલાથીયોન ૫૦ ટકા ઈસી (૩૭ મીલી), ફીપ્રોનીલ ૫ ટકા એસસી (૨.૫ મીલી), ફીપ્રોનીલ ૨.૯૦ ટકા ઈસી (૪.૫મીલી), ડેલ્ટામેથ્રીન ૨.૮ ટકા ઈસી (૧૦ મીલી) દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને ઉપદ્રવીત વિસ્તારમાં જરૂરીયાત મુજબ છટકાવ કરવાની રહેશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.