કલામહાકુંભ -2024-25નું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત હાલોલ તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગોધરા દ્વારા આજ 3 જાન્યુઆરીના રોજ વી.એમ.સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, ચિત્ર, સંગીત ગાયન, સંગીત વાદન, રાસ ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં હાલોલ તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો. જેમાં શારદા વિદ્યા મંદિર ગુજરાતી માધ્યમની ધો.10ની વિદ્યાર્થિની કું. વિધિકા સંજયભાઈ તીરગર દ્વારા 15 થી 20 વર્ષની વય કક્ષાના નિબંધ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે.
જેમાં કેળવણીમાં માતૃભાષાના મહત્વ વિશેના નિબંધને સુંદર અક્ષરે મૌલિકતા સાથે લખ્યો હતો. રાસ-ગરબા સ્પર્ધામાં પણ ગુજરાતી માધ્યમની 16 વિદ્યાર્થિનીઓનું ગૃપ પણ પ્રથમ ક્રમે વિજેતા થયેલ છે. અંગ્રેજી માધ્યમમાંથી ધો.8ની કું. આયુષી કુસવાહાએ વકતૃત્વ સ્પર્ધામાં તથા કું. ચિત્રા આર્યા નિબંધ સ્પર્ધામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ શારદા વિદ્યા મંદિર શાળાનું પ્રતિનિધિત્વ કરશે. આ તમામ વિદ્યાર્થીઓને શારદા વિદ્યા મંદિર હાલોલ શાળા પરિવાર અભિનંદન સાથે જિલ્લા કક્ષાએ વિજેતા બને અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવે છે.