22 લાખના દારૂ સાથે 3 ઝડપાયા, 7 બુટલેગર ફરાર
વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાંક શખસોએ પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે. આ ઘટનામાં SMCના PSIએ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હાલ આ મામલો હરણી પોલીસ મથકે પહોંચ્યો છે. હરણી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના કટિંગ સમયે રેડ પડતા પથ્થરમારો થયો
SMCના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમામે, 28 ડિસેમ્બરની મોડીરાત્રે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દરજીપુરા ગામમાં દારૂના કટિંગ પર રેડ કરી હતી. આ દરમિયાન બુટલેગરોએ SMC ટીમ પર પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં એસએમસીના પીએસઆઇ આર. જી. ખાંટે સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાંની સાથે 6થી 7 બુટલેગર ફરાર થઈ ગયાં હતાં.
કુખ્યાત બુટલેગર સહિત પાંચ વોન્ટેડ
આ ઘટનામાં સ્ટેટ મોનિટરિંગ સેલે ત્રણ બટલેગરની ધરપકડ કરી છે. સાથે જ એક ફોર્ચ્યુનર કાર, એક કન્ટેનર અને અંદાજીત 22 લાખના દારૂ સહિત 60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આ ઘટનામાં કુખ્યાત બુટલેગર ઝુબેર શફી મેમણ સહિત અન્ય પાંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. હાલ તમામ આરોપીઓ અને મુદ્દામાલને હરણી પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આગળની તપાસ હરણી પોલીસે હાથ ધરી છે.