પંચમહાલ મિરર ડેસ્ક
ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂત અન્ય સાથે મળી બોગસ કાર્ડ બનાવતા, સરકારી પોર્ટલમાં પણ ચેડાં કરાયાં..
ખ્યાતિકાંડની તપાસ કરી રહેલી અમદાવાદ ક્રાઈમ બ્રાંચની તપાસમાં બોગસ આયુષમાન કાર્ડ બનાવી સરકારને ચૂનો ચોપડવાના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. ખ્યાતિકાંડના આરોપી કાર્તિક પટેલ અને ચિરાગ રાજપૂતે અન્ય 8 લોકો સાથે મળી આ કૌભાંડ આચર્યું હોવાનો પર્દાફાશ થયો છે.
કાર્તિક પટેલના કહેવાથી જ ચિરાગ રાજપૂતે અન્ય લોકો સાથે મળી બોગસ PMJAY કાર્ડ તૈયાર કરાવતો હતો. લાખો રૂપિયાની સારવારનો ખોટી રીતે લાભ લેવા માટે માત્ર 1500 રૂપિયામાં બોગસ PMJAY કાર્ડ બનાવી દેવાતું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપીઓ દ્વારા સરકારી પોર્ટલમાં ચેડા કરી આ સમગ્ર કૌભાંડ આચરવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે. આ કૌભાંડ બાબતે કુલ 10 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદમાં સામે આવેલા આ કૌભાંડના અન્ય રાજ્ય સાથે તાર જોડાયેલા છે કે નહીં તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
દર્દી પાસેથી 1500 લઈ બોગસ કાર્ડ તૈયાર કરાતું હતું કાર્તિક પટેલના કહેવાથી ચિરાગ રાજપૂતે નિમેષ ડોડીયા પાસે કાર્ડ બનાવતો હતો. જે કાર્ડના 1500થી 2000 રૂપિયા લાભાર્થી પાસેથી વસૂલવામાં આવતા હતા. જેમાંથી નિમેશને રૂ. 1000 મળતા હતા. નિમેશ ડોડીયા દ્વારા આયુષ્યમાન કાર્ડ બનાવવાના અલગ અલગ પોર્ટલ વાપરતો હતો. જે પોર્ટલોમાં જુદાજુદા કાર્ડો બનાવી આપવાની જાહેરાતો કરી અલગ અલગ લોકોના સંપર્કમાં આવેલો હતો. તેમજ જુદાજુદા વોટ્સએપ ગ્રુપ તથા ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયેલ હતો. આ ગ્રુપ મારફતે તે મો. ફઝલ, મો. અસ્ફાક, નરેન્દ્રસિંહ ગોહિલ અને ઈમ્તિયાઝના સંપર્કમાં આવ્યો હતો.
સરકારી વેબપોર્ટલમાં ચેડાં કરી કાર્ડ બનાવ્યાં આ તમામ લોકો મળીને આશરે 1200થી 1500 જેટલા આયુષમાન કાર્ડ સરકારી પોર્ટલની ટેક્નિકલ ખામીનો દુરૂપયોગ કરી વેબસાઈટ પર જઈ ત્યાં સોર્સ કોડ સાથે ચેડા કરી કાર્ડ બનાવ્યા હતા.નિમેશ ડોડિયા, નરેન્દ્રસિંહ ગોહિલને આયુષમાન કાર્ડનું E-KYC એપ્રુવ્ડ કરવા માટે ENSER કોમ્યુનિકેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીના નિખીલ પારેખનાઓએ યુઝર આઈડી ગેરકાયદેસર રીતે બનાવી આપેલ હતું. જે પેટે તે માસિક 8 હજારથી 10 હજાર કમાતો હતો. આયુષમાન કાર્ડ બનાવવાનો કોન્ટ્રેક્ટ સરકાર દ્વારા એન્સર કંપનીને આપવામાં આવેલ ચે. જેમાં લેવલ-1 સુધીની પ્રક્રિયા તેમના દ્વારા કરવામાં આવતી હોય છે.
આરોપી
- કાર્તિક પટેલ, અમદાવાદ
- ચિરાગ રાજપૂત, અમદાવાદ
- નિમેશ ડોડિયા, અમદાવાદ
- મોહમ્મદફઝલ શેખ, અમદાવાદ
- મોહમ્મદઅસ્પાક શેખ, અમદાવાદ
- નરેન્દ્રસિંહ ગોહિલ, ભાવનગર
- ઈમ્તિયાજ, ભાવનગર
- રાશિદ, બિહાર
- ઈમરાન જાબીર હુસેન કારીગર, સુરત
- નિખિલ પારેખ, અમદાવાદ
ખ્યાતિકાંડ બાદ સરકારે PMJAY નિયમોમાં ફેરફારની તજવીજ હાથ ધરી ખ્યાતિકાંડમાં હૃદયરોગની સારવાર કરાવવા આવેલા દર્દીઓએ જીવ ગુમાવ્યા બાદ રાજ્ય સરકારે PMJAY- યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલો માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવાનું નક્કી કર્યું છે. હવે પછી એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે યોજના હેઠળ ક્લેઇમની અરજી કરતી વખતે હોસ્પિટલે સર્જરીનો વીડિયો પણ પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે. આ માટે સરકાર પોતાના પોર્ટલમાં નવા બદલાવ કરી રહી છે. યોજના હેઠળ કાર્ડિયોવાસ્ક્યુલર, કાર્ડિયોલોજી, બાળરોગ, રેડિયો અને કિમોથેરાપી જેવી સારવાર સંદર્ભે નવા નિયમો લાગુ પડશે. આ સંદર્ભે ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે એક સમીક્ષા બેઠક યોજી હતી. નવીન માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે.
આ નિયમો લાગુ પડશે
- કૌભાંડ ડામવા સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ને વધુ સુદૃઢ બનાવવા રાષ્ટ્રીય એન્ટી ફ્રોડ યુનિટની મદદ લેવાશે.
- રાજ્ય-જિલ્લા સ્તરે નવી ટીમ બનાવી હોસ્પિટલોની સમયાંતરે વિઝિટ કરી રિપોર્ટ મગાવાશે.
- સ્ટેન્ટ અને ઇમ્પલાન્ટ્સની ગુણવત્તાની તપાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે.
- મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી/ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થને એક મહિનામાં ઓછામાં ઓછી બે PMJAY હોસ્પિટલોની ઓડિટ વિઝિટ કરવાની રહેશે
જાહેરાત