કામ કરી રહેલા 400 કામદારમાં નાસભાગ મચી, મેજર કોલ જાહેર કરાયો; ફાયરબ્રિગેડ ઘટનાસ્થળ પર.
રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જોકે હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. આ અંગેની જાણ થતાં ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. અને ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબૂ મેળવવા કવાયત શરૂ કરવામાં આવી છે.
રાજકોટની મેટોડા GIDCમાં આવેલી છે ફેક્ટરી.
રાજકોટની મેટોડા GIDCમાં ગોપાલ નમકીની ફે્કટરી આવેલી છે. જેમાં ફ્રાઈમ્સ, પાપડ, વેફર જેવી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળ્યા બાદ ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના પગલે કંપનીમાં કામ કરી રહેલા કામદારોમાં નાસભાગ મચી હતી.
રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આગની જાણ થતા રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે.