વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો.
વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને EDના નામે 60.50 લાખ રૂપિયા પડાવ્યા છે. ભેજાબાજોએ મહિલાને કહ્યું હતું કે, 1000 કરોડ રૂપિયાના ફ્રોડના કેસમાં તમારું નામ આવ્યું છે. જેથી બ્લેકમેલ કરીને મહિલા પાસેથી નાણા પડાવ્યા હતા. આ મામલે વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતી 65 વર્ષીય મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિનું વર્ષ 2020માં મૃત્યુ થયું હતું અને મારો પુત્ર મુંબઈની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 22 ઓક્ટોબરના રોજ બપોરે 2:30 વાગે મને એક અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને તેણે મને જણાવ્યું હતું કે મારું નામ રોહન શર્મા છે અને હું અંધેરી ઈસ્ટ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર છું અને રવિશંકર નામના વ્યક્તિએ મની લોન્ડરિંગ માટેનો 900થી 1000 કરોડનું ફ્રોડ કર્યું છે અને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ખોલાવ્યું છે એ ખાતા નંબર તમે લખી લો.
