રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
જિલ્લા કલેકટર,ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
ખાનપુર તાલુકાના વડગામનો કોરોના સંક્રમિત વ્યક્તિ આરોગ્ય વિભાગની સૂચનાઓને અવગણી બે દિવસ સુધી ફર્યો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બામરોડા ખાતે ૧૯મી મેના રોજ રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં ૭૬ યુનિટ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. જેમાં રકતદાતાઓનો ઉત્સાહ વધારવા જિલ્લા કલેકટર અને ધારાસભ્ય સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ શિબિરમાં મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાયું હોવાની આશંકાએ જિલ્લામાં ખળભલાટ મચી જવા પામ્યો છે.
મળતી માહિતી પ્રમાણે ગોધરા રેડક્રોસ સોસાયટી દ્વારા બામરોડા ગામે રક્તદાન શિબિર યોજાઈ હતી આ શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એ ઉપસ્થિત રહી રક્તદાન મહાદાનના મંત્રને સાર્થક કર્યો હતો પરંતુ આ શિબિરમાં વડાગામનો શંકાસ્પદ કોરોના સંક્રમિત વ્યક્તિ આરોગ્ય વિભાગની સૂચનાઓને અવગણી મુક્તમને ફર્યો હતો અને તે જ દિવસે સાંજે તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં હડકંપ મચી જવા પામ્યો છે.૧૭મીએ વડાગામના દીપક ભીખાલાલ જોશી ઉ.વ.૪૧ના શંકાસ્પદ લક્ષણો જણાતા કોરોના અંગે ટેસ્ટ કરાવ્યો હતો ત્યારબાદ આરોગ્ય વિભાગે સુચનાઓ આપી હતી કે જ્યાં સુધી તેનો રીપોર્ટ ના આવે ત્યાં સુધી હોમ કવોરનટાઇન રહેવું, ઘરના સભ્યો સાથે પણ સમ્પર્ક ઓછો રાખવો, યોગ કરવા, લોક સંપર્ક ના રાખવો વગેરે સૂચનાઓ આપવામાં આવે છે તેમ છતાં તેણે આ તમામ સૂચનાઓને અવગણી આસપાસમાં તમામ જગ્યાએ ફરવાનું ચાલુ રાખ્યું અને તેમાં પણ બામરોડા ખાતે ૧૯મી મેના રોજ રેડક્રોસ સોસાયટી ગોધરા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તેમાં તેણે હાજરી આપી ઘણા બધા અગ્રણીઓ તેમજ વ્યક્તિઓની સાથે મુલાકાત કરી એટલું જ નહી પરંતુ જિલ્લામાં વૈશ્વિક મહામારીમાં સતત પ્રવુત્ત એવા જિલ્લા કલેકટર આર.બી.બારડ, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશ સેવક સહીત અગ્રણીઓ સાથે રહી રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા પ્રમાણપત્ર વિતરણમાં ઉપસ્થિત રહ્યા હતા. પરતું એ જ સાંજે દીપક ભીખાલાલ જોશીનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા અગ્રણીઓ સહીત તમામ મુશ્કેલીમાં મુકાયા છે અને આ શિબિરમાં મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાયું હોવાની આશંકાએ જિલ્લામાં ખળભલાટ મચી જવા પામ્યો છે.