માહિતી, પંચમહાલ – || પંચમહાલ મિરર ડેસ્ક ||
પંચમહાલ જિલ્લામાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ આહીર (ભરવાડ)ના અધ્યક્ષસ્થાને ઘોઘંબાના કમળાનગર ખાતે ૭૮ માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી આન,બાન,શાનથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરાઈ હતી.
આ પ્રસંગે જેઠાભાઈએ રાષ્ટ્ર ઘ્વજને ફરકાવતા ભારતની આઝાદી કાજે પોતાનું સર્વસ્વ અર્પણ કરનાર સ્વાતંત્ર્ય વીરો- સેનાનીઓને નત મસ્તકે વંદન કરીને ઉપસ્થિત સૌ મહાનુભાવો,અધિકારીગણ અને સર્વે બાંધવોને અંતરના ઉમળકાથી ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
તેમણે શુભકામનાઓ સાથે જણાવ્યું હતું કે, ૮ મી ઓગષ્ટથી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનમાં રાજ્યના કરોડો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ દેશપ્રેમની ભાવના પ્રબળ કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેવી અનેક પહેલો-યોજનાઓ અમલમાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ રાજ્યના ૪૫ લાખથી વધુ ખેડૂતોને દર વર્ષે રૂ. ૬૦૦૦ની આર્થિક સહાય મળી રહી છે. તેમણે કહ્યું કે, જૈવિક અને પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે.
ઘોઘંબા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજને સલામી આપતા જિલ્લા કલેક્ટરે દેશ માટે બલિદાન આપનારા વીર શહીદોને યાદ કરતા કહ્યું કે દેશને આઝાદી અપાવવામાં ગુજરાતનું યોગદાન વિસરી શકાય નહીં. તો કાર્યક્રમના અધ્યક્ષ જેઠા ભરવાડ આ પર્વ વિશે દેશ અને રાજ્યમાં આનંદના માહોલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને અમિત શાહના નેતૃત્વ માં ખુબ જ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સારી રીતે થાય છે. એથી વિશેષ કાંઈ કહ્યું ન હતું. જિલ્લા શસ્ત્ર પોલીસ દ્વારા પરેડ યોજી રાષ્ટ્રધ્વજ ને સન્માન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ પછી ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.