ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રી સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી થયા અચંબિત.. જાણો વધુ માહિતી..

Gujarat Latest Narmada

અંકુર ઋષિ : નર્મદા



સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણની ગાથા સાંભળી પ્રતિનિધિ મંડળ આશ્ચર્યચકિત થયા હતા


ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે માટે સોમવારની તેમની સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત યાદગાર બની રહી છે. ભારતના પડોશી દેશ ભૂતાનના આ બંને વડા એકતાનગર ખાતે નિર્મિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નિહાળી અચંબિત રહી ગયા હતા.

ભૂતાનના રાજા મહોદય સાથેનું પ્રતિનિધિ મંડળ આજે એકતાનગર ખાતે આવી પહોંચ્યું હતું. ભૂતાનના પારંપારિક વસ્ત્ર પરિધાનમાં આ વિદેશી મહાનુભાવોનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાતની ઓળખ સમા ગરબાની પ્રસ્તુતિ સાથે મહાનુભાવોને આવકારવામાં આવ્યા હતા. અહીં સર્વેને વોલ ઓફ યુનિટીની માહિતી આપવામાં આવી હતી.

બાદમાં પરિસરની અંદર પ્રદર્શનોની મુલાકાત કરાવવામાં આવી હતી. અહીં ભારતની સ્વાતંત્ર્ય ગાથા અને તે બાદ ભારતની એકતા માટે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનની તલસ્પર્શી વિગતો ગાઈડ દ્વારા રજૂ કરવામાં આવી હતી. રાજા મહોદય અને પ્રધાનમંત્રી  વ્યુઈંગ ગેલેરી પહોંચ્યા હતા. ત્યાંથી મહાનુભાવોએ વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમનો નજારો નિહાળ્યો હતો.

અહીં મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની પશ્ચાદભૂ સમજાવવામાં આવી હતી. બાદમાં રાજા શ્રીજીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂકે મુલાકાતી પોથીમાં નોંધ કરી હતી. જેમાં તેમણે સુંદર અક્ષરોમાં લખ્યું કે “ભારતને શુભકામના અને સ્મરણ.”

ભૂતાનના આ સર્વોચ્ચ પ્રતિનિધિ મંડળે બાદમાં સરદાર સરોવર ડેમની પણ મુલાકાત લીધી હતી. અહીં સરદાર સરોવરના કારણે ગુજરાત રાજ્યમાં પાણીની સમસ્યાના નિરાકરણની વિગતો આપવામાં આવી હતી. તે બાદ ભૂતાનના રાજા શ્રી જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા પ્રધાનમંત્રી  શેરિંગ તોબગેને માનસર વિદાય આપવામાં આવી હતી.

જાહેરાત

આ મુલાકાત વેળાએ રાજ્ય મંત્રી જગદીશભાઈ પંચાલ, ભૂતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા, ભૂતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેતસોપ નામગ્યેલ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, એસઓયુના વડા  મૂકેશ પૂરી, કલેકટર શ્વેતા તેવતિયા, સીઇઓ  ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી  અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક  પ્રશાંત સુંબે સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *