|| પંચમહાલ મિરર ડેસ્ક ||
ખાનગી મેડિકલ કોલેજમાં 40 લાખ તો સરકારીમાં 11 લાખનો તોતિંગ વધારો, વાલી-વિદ્યાર્થીઓનો વિરોધ, કહ્યું- આ લોકો બિઝનેસ કરે છે.
મેડિકલમાં MBBSના અભ્યાસ માટેની ફીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને લઈને આજે રાજ્યભરમાં તબીબી, મેડિકલના વિદ્યાર્થીઓ અને વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. તબીબોનું કહેવું છે કે ફી વધારો એટલો થયો છે કે, હવે પૈસાદાર વિદ્યાર્થીઓ હોય તે જ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી શકશે. જ્યારે એક વિદ્યાર્થીએ કહ્યું હતું કે, આ લોકો બિઝનેસ કરી રહ્યા છે. એક કરોડ ફી થઈ જશે.
થોડા સમય અગાઉ જ મેડિકલમાં MBBSની ફીમાં વધારો વધારો કરવામાં આવ્યો છે. લગભગ 80 ટકા જેટલી ફીમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવાનું બાકી છે ત્યાં ફી વધારો કરવામાં આવ્યો છે. GMERS દ્વારા એક વર્ષની ફીમાં સરકારી ક્વોટાની ફીમાં 3.50 લાખથી વધારી 5.50 લાખ કરવામાં આવી છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9 લાખથી વધારીને 17 લાખ કરવામાં આવી છે. આ અંગે અમદાવાદમાં વાલીઓએ અને તબીબોએ કલેક્ટર કચેરીએ રજૂઆત કરી હતી.
ફીમાં 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો.
અમદાવાદના વાલીમંડળના સભ્યએ જણાવ્યું હતું કે, ફીમાં 80 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. અચાનક જ આ પ્રકારની ફી વધારવામાં આવી છે તો વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરી શકશે અને આજે કલેક્ટરને રજૂઆત કરી છે. ત્યારબાદ ધારાસભ્યો અને સાંસદસભ્યોને રજૂઆત કરીશું. અમારી એક જ માગ છે કે ફી ઘટાડવામાં આવે.
ફી વધારો પાછો ખેંચવા માંગ.
તબીબ બનવું પહેલેથી ખૂબ મોંઘું હતું. જ્યારે હવે ગુજરાતમાં GMERS સંચાલિત મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા સામાન્ય સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે તબીબ બનવું સપનું બની જાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. કારણ કે ગત સપ્તાહમાં GMERS દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે વિવિધ ક્વોટામાં ફી વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ તોતીંગ ફી વધારાને રદબાતલ કરવા માટે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત શાખા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માગ કરવામાં આવી છે.
નોંધ :. જાહેરાત કે જાહેર ખબરને લગતી કોઈપણ વ્યહવાર કરતા પેહલા જાહેરાત વિશે જાણી ચકાસી લેવું. , પંચમહાલ મિરર સમાચાર પત્ર , આદિત્ય પબ્લિકેશન કે વ્યવસ્થાપક , તંત્રી , માલિક જવાબદાર ગણાશે નહિ. જેની નોંધ લેવી.