|| પંચમહાલ મિરર ડેસ્ક. ||
- 23 શ્રદ્ધાળુ સવાર હતા, બદ્રીનાથ દર્શન કરવા જઈ રહ્યા હતા.
- ઘાયલોને એરલિફ્ટ કરવામાં આવ્યા.
- તમામ શ્રદ્ધાળુઓ દિલ્હી અને યુપીના હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉત્તરાખંડના બદ્રીનાથ હાઇવે પર એક મિની બસ (ટ્રાવેલર) અલકનંદા નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુનાં મોત થયાં છે, જ્યારે 13 ઘાયલ થયા છે. 7 ગંભીર રીતે ઘાયલોને હેલિકોપ્ટર દ્વારા ઋષિકેશ એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા. મિની બસમાં 23 શ્રદ્ધાળુ સવાર હતા. દરેક લોકો બદ્રીનાથ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તમામ શ્રદ્ધાળુઓ દિલ્હી અને યુપીના હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સ્થાનિક લોકો પોલીસને મદદ કરી રહ્યા છે. ઘાયલોને બહાર કાઢીને હોસ્પિટલમાં મોકલવામાં આવી રહ્યા છે.
એસપી ડૉ. વિશાખા અશોક ભદાનેએ જણાવ્યું હતું કે રુદ્રપ્રયાગમાં રંટોલી પાસે હાઇવે પરથી એક મિની બસ નદીમાં ખાબકી છે. સ્થાનિક લોકો, જિલ્લા પોલીસ, એસડીઆરએફ, ફાયર સર્વિસ, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વોટર પોલીસે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે.
IG ગઢવાલ કરણ સિંહ નગન્યાલે જણાવ્યું – શ્રદ્ધાળુઓ નોઈડા (યુપી)થી રૂદ્રપ્રયાગ તરફ જઈ રહ્યા હતા. તેમની બસ 150-200 મીટર ઉંડી ખીણમાં ખાબકી હતી. ડ્રાઈવર ખૂબ જ ગંભીર રીતે ઘાયલ છે. તેથી વધુ માહિતી મળી શકી નથી.
શ્રદ્ધાળુઓ દિલ્હી-યુપીના રહેવાસી
પોલીસે જણાવ્યું કે મીની બસ હરિયાણા નંબરનો છે. દિલ્હી-એનસીઆરમાં રહેતા શ્રદ્ધાળુઓએ તેનું બુકિંગ કરાવ્યું હતું. તેઓ શુક્રવારે સાંજે દિલ્હીથી રવાના થયા હતા. આખી રાત મુસાફરી કરી. હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. હાલમાં વહીવટીતંત્રનું ધ્યાન બચાવ કાર્ય અને ઘાયલોને સારી સારવાર આપવા પર છે.
બચાવવા ગયેલા મજૂરનું પણ મોત થયું હતું
જ્યાં અકસ્માત થયો ત્યાં રેલવે પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે. લોકોને બચાવવા માટે 3 મજૂર નદીમાં કૂદી પડ્યા હતા. તેમાંથી બે પાછા આવ્યા, જ્યારે એકનું મોત થયું હતું. મિની બસ જ્યાં ખાબકી છે એ જગ્યા 250 ફૂટ ઊંડી હોવાનું કહેવાય છે.