વડોદરા / હું નિર્દોષ છું, મારા પર ફોજદારી કેસ ન કરવા DEO સાહેબે મને ઓફિસ બોલાવી 3 લાખ માગ્યા’તા; DEOએ આક્ષેપો નકાર્યા.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના આનંદી ગામની બી.એલ. પટેલ હાઇસ્કૂલમાં બોર્ડની પરીક્ષામાં સામૂહિક કાપલી કરાવવાના કેસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલે આપઘાતના પ્રયાસ પૂર્વે લખેલી ચિઠ્ઠી સામે આવી છે. જેમાં પ્રિન્સિપાલે વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને DEO વતી ગોહિલ સાહેબને 3 લાખ રૂપિયા આપી દેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો વહેલીતકે 3 લાખ ન આપ્યા તો 5 લાખ આપવાની વાત કરી હતી. પૈસા ન આપતા અંતિમ પગલુ ભર્યું હોવાની વાત લખી છે. આ ઉપરાંત પ્રિન્સિપાલે પત્નીને ઉલ્લેખીને પણ એક ચિઠ્ઠી લખી હતી, તે પણ સામે આવી છે. જો કે, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર આક્ષેપોને નકારી કાઢ્યા છે અને સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવી હોવાની વાત કરી છે.
પ્રિન્સિપાલે લખેલી ચિઠ્ઠી…
પ્રિન્સિપાલ વાસુદેવ પટેલે આત્મહત્યાનો પ્રયાસ કરતા પહેલા લખેલી ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, જિલ્લા શિક્ષણાધિકારીએ મારા ઉપર ખોટા પુરાવાઓ ઉભા કરીને મને ફરજ મોકુફીનો પત્ર આપ્યો છે. મારા જે કર્મચારીઓ પરીક્ષા દરમિયાન ગેરરિતી કરાવતા પકડાયેલા તેમની પાસે પણ તમે તો જ્ઞાનસહાયક તરીકે અને ખાનગી શાળામાં નોકરી કરો છો. તમને કંઇ નહીં થાય, પણ મોટા પગાર લેતા શિક્ષકોને કેમ બચાવો છો. તમે શું કામ બચાવો છો. હું તમને કંઇ નહીં કહું તેમજ ધાકધમકી આપીને પકડાયેલા મારા કર્મચારીઓ પાસે પરીક્ષાખંડમાં શાળાના પટાવાળા દ્વારા આપવામાં આવી હતી. એવું ખોટુ નિવેદન લખાવી લીધું.
મેં કોઇ ગુનો નથી કર્યો તેમ છતાં સમગ્ર ઘટના મેં મારા ઉપર લઈ લીધી: ચિઠ્ઠી
ત્યાર બાદ ધાકધમકી આપીને ફોજદારી ગુનો દાખલ કરવાની ધમકી આપીને મને બદઇરાદાથી ખોટા નિવેદનો લખાવી મારી સહી જિલ્લા શિક્ષણાધિકારી કરાવી લીધેલ છે. મારા તમામ ખંડ નિરીક્ષક મિત્રોને પણ વડોદરા ઓફિસમાં 20 માર્ચના રોજ મારા ક્લાર્ક મારફતે ફોન અને વોટ્સએપ કરીને સાંજના 5 વાગ્યે મારા વિરુદ્ધ ખોટા નિવેદનો લેખિત લખાવવા બોલાવેલ છે. સમગ્ર સ્ટાફ મિત્રોના જીવન ઉપર મુશ્કેલી ન આવે એટલા માટે મેં કોઇ ગુનો નથી કર્યો, છતાં સમગ્ર ઘટના મારા ઉપર મેં લઇ લીધેલી છે. મારી પાસે પણ ધાકધમકી આપીને આજુબાજુની શાળાના શિક્ષકોના નામ ચોરીમાં સામેલ છે એ રીતે લખાવી મારી બળજબરીપૂર્વક સહી ડીઇઓ સાહેબ દ્વારા લઇ લીધેલી છે.
‘મારી પાસે ખોટી રીતે બધુ લખાવી લેવામાં આવ્યું’
હકીકતમાં હું નિર્દોષ છું અને મારા શિક્ષક મિત્રો પણ નિર્દોષ છે. મારા ઉપર ફોજદારી કેસ ન કરવા માટે ડીઇઓ સાહેબ દ્વારા મને ઓફિસમાં બોલાવીને 3 લાખ રૂપિયાની માંગણી કરેલી અને આ રકમ હું 20 માર્ચના રોજ 5 વાગ્યા સુધી ઓફિસમાં ફરજ બજાવતા ગોહિલ સાહેબને ન આપુ તો બીજા દિવસે મારી પાસે 5 લાખની માંગણી ડીઇઓ દ્વારા કરેલ છે. આ સમગ્ર વાત ગોહિલ સાહેબની હાજરીમાં ઓફિસમાં થયેલી છે. મારી પાસે ખોટી રીતે બધુ સાહેબ લખાવી લેવામાં આવ્યું છે.
10 કર્મચારીના આજે નિવેદન લેવાયા
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી રાકેશ વ્યાસે જણાવ્યું હતું કે, શિનોરમાં જ્યારે ઘટના બની હતી, ત્યારે કેટલાક કર્મચારીઓના નિવેદન લેવામાં આવ્યા હતા. જો કે, કેટલાક કર્મચારીઓના નિવેદન લેવાના બાકી હતા. સાથે સાથે સંચાલક ગણનો પક્ષ સાંભળવો જરૂરી હતો. આજે કર્મચારીઓ અને સંચાલક પણ હાજર રહ્યા હતા. તેમને સાંભળવામાં આવ્યા છે. તેઓએ જે હકીકત હતી એ વાત નિવેદન સ્વરૂપે રજૂ કરી છે. આજે 10 કર્મચારીના નિવેદન લેવામાં આવ્યા છે.
DEOએ આક્ષેપોને ફગાવ્યા
આત્મહત્યાનો પ્રયાસ કરનાર પ્રિન્સિપાલની વાઇરલ થયેલી સુસાઇડ નોટ અંગે તેઓએ જણાવ્યું હતું કે, ઘટના 18 તારીખે બની હતી અને સરકારી પ્રતિનિધિએ એની ડાયરીમાં સ્પષ્ટ ઉલ્લેખ કરીને આપ્યો છે. ત્યાર બાદ રોજકામ કરીને કચેરીના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર ત્યાં તપાસ માટે ગયા હતા. તેમાં ખૂબ જ પારદર્શક તપાસ કરવામાં આવી હતી. ત્યાર બાદ 19 તારીખે પેપર નહોતુ. જેથી તેમને સુગમતા રહે તે માટે 19મીએ તેમને બોલાવ્યા હતા. ત્યારે બંને ખંડ નિરિક્ષકો, સેવકો અને આચાર્યએ સ્વિકાર્યું હતું કે, આ પ્રકારની પ્રવૃતિ તેમના દ્વારા થતી હતી.