- H-1B વિઝા ફોર્મ I-129 460 USD થી વધીને 780 USD થશે
- H-1B રજિસ્ટ્રેશનની ફી 10 USD થી વધીને 215 USD થશે
- EB-5 વિઝાની ફી 3,675 USD થી વધીને 11,160 USD થશે
જો તમે પણ અમેરિકા જવાની તૈયારી કરી રહ્યા છો તો તમારા ખિસ્સા ઢીલા કરવા તૈયાર થઈ જાઓ. વાસ્તવમાં, અમેરિકા સોમવાર 1 એપ્રિલના રોજથી H-1B, L-1 અને EB-5 નોન-ઇમિગ્રન્ટ વિઝા ફીમાં વધારો કરવા જઈ રહ્યું છે.
નવા નિયમો લાગુ થયા બાદ વિઝા ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. એટલું જ નહીં આગામી દિવસોમાં વિઝા સેવામાં પણ ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે.
H-1B ફીમાં કેટલો વધારો થવાની આશા?
H-1B વિઝા મેળવવા માટે વ્યક્તિએ ફોર્મ I-129 ભરવું પડશે. અગાઉ તેની કિંમત 460 US ડોલર એટલે કે લગભગ 38,000 રૂપિયા હતી. અને નવા નિયમ બાદ હવે તે 780 US ડોલર એટલે કે લગભગ 64,000 રૂપિયા થઈ જશે.
એટલું જ નહીં, H-1B રજિસ્ટ્રેશનની ફી પણ આગામી નાણાકીય વર્ષમાં 10 યુએસ ડોલર એટલે કે લગભગ 829 રૂપિયાથી વધીને 215 યુએસ ડોલર એટલે કે લગભગ 17,000 રૂપિયા થઈ જશે.
જણાવી દઈએ કે H-1B નોન-ઈમિગ્રન્ટ વિઝા છે. આ વિઝા અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે. ઘણી અમેરિકન કંપનીઓ ભારત સહિત ઘણા દેશોના લોકોને નોકરી માટે બોલાવે છે.
EB-5 વિઝા માટે કેટલી વધી શકે છે ફી?
EB-5 વિઝાને રોકાણકાર વિઝા ફી તરીકે પણ ઓળખાય છે. અહીં પણ ફીમાં લગભગ 3 ગણો વધારો થવાની ધારણા છે. હાલમાં, EB-5 વિઝા માટે 3,675 યુએસ ડોલર એટલે કે લગભગ 3,00,000 રૂપિયા ચૂકવવા પડે છે. જોકે, 1 એપ્રિલથી તે વધીને 11,160 યુએસ ડોલર એટલે કે લગભગ 9,00,000 રૂપિયા થઈ જશે.