પંચમહાલ મિરર ડેસ્ક.
એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ
નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અને કેન્દ્રની કૉન્ગ્રેસની આગેવાનીની તત્કાલીન યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ (UPA) સરકારના સિવિલ એવિએશન પ્રધાન પ્રફુલ પટેલને કથિત ૮૪૦ કરોડ રૂપિયાના કૌભાંડમાં રાહત મળી છે. આ મામલાની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પ્રફુલ પટેલ સામેનો કેસ સાત વર્ષે બંધ કર્યો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે ખાનગી આંતરરાષ્ટ્રીય એરલાઇન કંપનીઓ સાથે સીટ શેરિંગ વ્યવસ્થા સહિત એર ઇન્ડિયામાં કથિત અનિયમિતતા સંબંધિત અન્ય બાબતોની તપાસ ચાલુ રહેશે. સ્પેશિયલ કોર્ટ નિર્ણય લેશે કે રિપોર્ટ સ્વીકારવો કે કોર્ટ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર વધુ તપાસ કરવા એજન્સીને નિર્દેશ કરવો.
આ મામલો એર ઈન્ડિયા દ્વારા મોટી સંખ્યામાં એરક્રાફટના ભાડાપટ્ટામાં ગેરરીતિઓના આરોપો સાથે સંબંધિત છે, જેના પરિણામે રાષ્ટ્રીય કેરિયરને ભારે નુકસાન થયું હતું જયારે આર્થિક લાભ ખાનગી વ્યક્તિઓને મળે છે. કેસમાં નોંધાયેલી એફઆઈઆર અનુસાર, વિમાન ભાડે રાખવાની વ્યવસ્થા તત્કાલીન મંત્રી પ્રફુલ પટેલના નેતૃત્વમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને નેશનલ એવિએશન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (એનએસીઆઈએલ)ના સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી
એફઆઈઆરમાં આરોપ છે કે એર ઈન્ડિયાએ ૨૦૦૬માં ખાનગી પક્ષોને લાભ આપવા માટે ચાર બોઈંગ ૭૭૭ને પાંચ વર્ષ માટે લીઝ પર લીધા હતા, જયારે તે જુલાઈ, ૨૦૦૭થી તેના પોતાના એરક્રાફટની ડિલિવરી લેવાની હતી. પરિણામે, ૨૦૦૭-૦૯ના સમયગાળા દરમિયાન પાંચ બોઇંગ ૭૭૭ અને પાંચ બોઇંગ ૭૩૭ નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. જેના કારણે સરકારી તિજોરીને ૮૪૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.