14 દાઝ્યા:ભસ્મ આરતીમાં ગુલાલ ઉડતા આગ કેવી રીતે લાગી તે રહસ્ય, મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ; દુર્ઘટના સમયે CMના પુત્ર-પુત્રી મંદિરમાં હતા
ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિરમાં સોમવારે સવારે 5.49 વાગ્યે ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં આગ લાગી હતી. જેમાં પૂજારી સહિત 14 લોકો દાઝી ગયા હતા. ઘાયલોમાંથી 9ને ઈન્દોર રીફર કરવામાં આવ્યા છે. જ્યારે 3ને ઉજ્જૈન જિલ્લા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 2 લોકો દાખલ છે
દુર્ઘટના સમયે મંદિરમાં હજારો ભક્તો મહાકાલ સાથે હોળીની ઉજવણી કરી રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીના પુત્ર વૈભવ અને પુત્રી આકાંક્ષા પણ નંદી હોલમાં હાજર હતા.
ઘાયલ સેવકે જણાવ્યું કે આરતી કરી રહેલા પૂજારી સંજીવ પર પાછળથી કોઈએ ગુલાલ ઉડાડ્યો હતો. ગુલાલ દીવા પર પડ્યો. ગુલાલમાં કોઈ કેમિકલ હોવાનો અંદાજ છે, જેના કારણે આગ લાગી હતી.
ગર્ભગૃહમાં ચાંદીના પડને રંગ અને ગુલાલથી બચાવવા માટે શણ લગાવવામાં આવ્યું હતું. જેમાં પણ આગ લાગી ગઇ હતી. કેટલાક લોકોએ અગ્નિશામક સાધનો વડે આગને કાબુમાં લીધી હતી. 6 વર્ષ પહેલા પણ આવી જ ઘટના મહાકાલ મંદિરમાં હોળીના દિવસે બની હતી. ત્યારે પણ એક પૂજારી દાઝી ગયા હતા.
CM ઘાયલોને મળ્યા, હોળી મિલન સમારોહ મોકૂફ
મુખ્યમંત્રી ડો.મોહન યાદવ ઘાયલોને મળવા ભોપાલથી ઈન્દોર પહોંચ્યા છે. તે ઉજ્જૈન પણ જશે. સીએમ હાઉસ ખાતે યોજાનાર હોળી મિલન સમારોહને મોકૂફ રાખવામાં આવ્યો છે.
મેજિસ્ટ્રેટ તપાસનો આદેશ, કલેક્ટરે 3 દિવસમાં રિપોર્ટ માંગ્યો
ઉજ્જૈનના કલેક્ટર નીરજ સિંહે કહ્યું કે આ ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને ત્રણ દિવસમાં રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તપાસમાં જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
ઘાયલોમાં 4 પૂજારી, 8 સેવક, 2 કર્મચારી
- સંજય ઉર્ફે સંજીવ (50), પૂજારી
- મનોજ (43), પૂજારી પુત્ર
- વિકાસ (35), પૂજારી પ્રતિનિધિ
- અંશ (13), પૂજારી પુત્ર
- સત્યનારાયણ (79), સેવક
- ચિંતામન (65), સેવક
- રમેશ (60), સેવક
- મહેશ, (27) સેવક
- શિવમ (21), સેવક
- આનંદ (23), સેવક
- સોનૂ (54), સેવક
- રાજકુમાર (50), સેવક
- કમલ જોશી (44), ગર્ભગૃહ નિરીક્ષક
- મંગલ બિંજવા (36), સફાઇ કર્મચારી
ભગવાન શિવના બાર જ્યોતિર્લિંગમાંથી એક ઉજ્જૈનમાં આવેલા મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં રોજ ભસ્મની આરતી થાય છે. ભસ્મથી શિવલિંગ પર શૃંગાર કરવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય અને શિવપુરાણ કથાકાર પંડિત મનીષ શર્મા પ્રમાણે, શિવજીને ભસ્મ ઘણી પ્રિય છે. તે ભગવાનનો મુખ્ય શણગાર છે.
દરેક દેવી-દેવતાઓ શણગાર માટે સોના-ચાંદી અને હીરા-મોતીના આભૂષણ ધારણ કરે છે, પરંતુ શિવજીનું સ્વરૂપ સૌથી નિરાળું છે. મહાદેવ ભસ્મ અને નાગ ધારણ કરે છે. મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતીની પરંપરા ઘણાં વર્ષોથી ચાલતી આવી છે, તેની પાછળ ઘણી માન્યતાઓ પ્રચલિત છે.