બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે (19 માર્ચ) સાંજે બે સગા ભાઈની અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. મૃતકોની ઉંમર 14 અને 6 વર્ષની હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. મંડી સમિતિ પોલીસે 3 કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, જ્યારે અન્ય આરોપી હજુ પણ ફરાર છે. બંને આરોપી પણ ભાઈઓ છે.
મૃતક બાળકોની દાદી મુન્ની દેવીએ જણાવ્યું હતું કે સામેના સલૂનવાળા ઘરે આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા. આ પછી મેં તેમને બેસવાનું કહ્યું અને અંદર ચા બનાવવા ગઇ. દરમિયાન તેઓ ઉપરના માળે ગયા. તેણે મારા બીજા નંબરના પૌત્રના હાથ પર અસ્ત્રો માર્યો, ત્યારે અમને આ બાબતની જાણ થઈ. જોકે આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
“પૈસા માગ્યા પછી બાળકોને મારી નાખ્યા.”
મૃતક બાળકોની માતા સંગીતાએ કહ્યું, “સાજિદ અને જાવેદ બાઇક પર મારા ઘરે આવ્યા હતા. જાવેદ બહાર બાઇક લઇને ઊભો હતો. સાજીદ ઘરની અંદર આવ્યો. કહ્યું કે ભાભી, મારી પત્નીની ડિલિવરી થવાની છે. તે હોસ્પિટલમાં દાખલ છે. મને 5000 રૂપિયા આપો. મેં સાજિદને પૈસા આપ્યા.
આ પછી મેં તેમને ચા પીવા કહ્યું. હું ચા બનાવવા ગઇ. સાજિદે મને કહ્યું કે હું ખૂબ જ નર્વસ છું. હું છત પર જઉં છું. છત પર જઇને સાજિદે મારાં બંને બાળકોની હત્યા કરી નાખી. હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. મારો એ લોકો સાથે કોઈ વિવાદ નથી.
મૃતકોના ઘરની સામે જ આરોપીઓનું સલૂન.
બાબા કોલોનીમાં રહેતા વિનોદ કુમાર વ્યવસાયે કોન્ટ્રેક્ટર છે. તેઓ અહીં તેમની પત્ની સંગીતા અને બાળકો સાથે રહે છે. સંગીતા ઘરે પોતાનું બ્યૂટિપાર્લર ચલાવે છે. આ સમયે વિનોદ કોઈ કામ અર્થે બહાર ગયા હતા. તેમને 3 બાળક છે. આમાંથી બે બાળક આયુષ (14) અને અન્નુ ઉર્ફે હની (6) હતાં.
જણાવવામાં આવી રહ્યું છે કે સાજિદ અને જાવેદ ઘરની સામે સલૂન ચલાવે છે. આ બંનેનો વિનોદના પરિવાર સાથે વિવાદ ચાલી રહ્યો છે, જોકે વિવાદનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
શેખુપુરાના જંગલમાં આરોપીનું એન્કાઉન્ટર
ઘટના બાદ પોલીસ અધિકારીઓએ સાજિદ અને જાવેદની શોધમાં ત્રણ ટીમ તહેનાત કરી. સર્વેલન્સ દ્વારા તેનું લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું. આ પછી પોલીસ લોકેશન ટ્રેસ કરતી વખતે સિવિલ લાઈન પોલીસ સ્ટેશનના શેખુપુરા જંગલમાં પહોંચી હતી. ટીમને ત્યાં જોતાં જ આરોપીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ પછી પોલીસની ટીમોએ પણ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર શરૂ કર્યો હતો.
DMએ કહ્યું- સ્થિતિ નિયંત્રણમાં છે, કાર્યવાહી થઈ રહી છે
DM મનોજ કુમારે કહ્યું, બાબા કોલોનીમાં તેમના ઘરમાં ઘૂસીને બે બાળકની હત્યા કરવામાં આવી હતી. આ પછી અમે SSP સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. ભીડને નિયંત્રણમાં લેવામાં આવી છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છૂટાછવાયા આગના બનાવો બન્યા હતા. એની પર કાબૂ મેળવી લેવાયો છે..