રાજ્યના શિક્ષણ વિભાગે શરૂ કરેલી જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને વિદ્યાર્થી દીઠ કોમ્પોઝીટ ગ્રાન્ટ મળતી હોય છે. તાજેતરમાં આવી સ્કૂલોને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે અને આ ગ્રાન્ટનો ખર્ચ ક્યાં કરવાનો રહેશે તે અંગેના નિર્દેશો પણ અપાયા છે. જેમાં મેરિટ સ્કોલરશીપની તૈયારી કરાવવા માટે વિદ્યાર્થીઓ પાછળ આ ગ્રાન્ટનો ખર્ચ કરવાનો રહેશે.
ઉપરાંત સ્કૂલના સાધનો તથા પુસ્તકો સહિતની સામગ્રી પાછળ પણ આ ગ્રાન્ટનો ખર્ચ કરી શકાશે. શાળાઓને આપવામાં આવેલી ગ્રાન્ટનો ખર્ચ 31 માર્ચ સુધીમાં કરી દેવા માટે પણ તાકીદ કરાઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજનામાં 25 હજાર અને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનામાં 30 હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જ્ઞાન સાધના અને જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ કે જેઓ અનુદાનિત કે સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવેલ હોય તેવી શાળાઓને વિદ્યાર્થી દીઠ કોમ્પોઝીટ ગ્રાન્ટ મળવાપાત્ર છે. જ્ઞાન સાધનામાં ધોરણ-9થી 10નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 3 હજાર, ધોરણ-11 અને 12નો અભ્યાસ કરવા માટે રૂ. 4 હજાર મળવાપાત્ર છે. જ્યારે જ્ઞાનસેતુ મેરિટ સ્કોલરશીપ યોજનામાં ધોરણ-6થી 8નો અભ્યાસ કરવા માટે વાર્ષિક રૂ. 2 હજાર, ધોરણ-9થી 10ના અભ્યાસ માટે રૂ. 3 હજાર અને ધોરણ-11 અને 12ના અભ્યાસ માટે રૂ. 4 હજાર કોમ્પોઝીટ ગ્રાન્ટ મળવાપાત્ર છે.
શાળાઓને 11 માર્ચના રોજ જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધના યોજના અંતર્ગત કોમ્પોઝીટ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ ગ્રાન્ટમાંથી શાળાઓએ કયા પ્રકારનો ખર્ચ કરવાનો રહેશે તેની સૂચના આપવામાં આવી છે. જેમાં મેરિટ સ્કોલરશીપ યોજના અંગેની પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થીઓને શૈક્ષણિક સાહિત્ય પૂરું પાડવા તથા તેને લગતી આનુષાંગિક પ્રવૃત્તિઓ માટે ખર્ચ કરી શકાશે. આ ઉપરાંત અધ્યયન અને સહ-અધ્યયન પ્રવૃત્તિ, શાળા-ગ્રંથાલય માટેના પુસ્તકો, ફર્નિચર, રમત-ગમતના સાધનો, ઈનામો, શૈક્ષણિક ઈલેક્ટ્રોનિક આઈટમ, જ્ઞાન પ્રવચન આપનારા મહેમાન વ્યાખ્યાતાને મહેનતાણું, નકશા, ચાર્ટ અને લેખન સામગ્રી માટે ખર્ચ કરી શકશે. શાળાએ ખર્ચ કરેલા નાણાં વપરાશ અંગેના પ્રમાણપત્ર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ સ્કૂલો પાસેથી એકત્રિત કરી નિયામક શાળાઓની કચેરીને જિલ્લાનું એકત્રિત નાણાં વપરાશ પ્રમાણપત્ર મોકલી આપવાનું રહેશે. શાળાઓ દ્વારા કોમ્પોઝીટ ગ્રાન્ટનો ખર્ચ કરવામાં આવે તે અંગે શાળાઓની કચેરી દ્વારા અથવા તો અધિકૃત એજન્સી દ્વારા હિસાબનું ઓડિટ કરાવવાનું રહેશે.