|| પંચમહાલ મિરર ડેસ્ક ||
કેન્દ્ર સરકારે CAAને લઈને નોટિફિકેશન જાહેર કરી દીધું છે. ગૃહમંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કર્યું છે. સંસદ દ્વારા CAA પસાર થયાને લગભગ પાંચ વર્ષ વીતી ગયા છે. હવે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલાં દેશમાં CAA લાગુ કર્યું છે. CAAને હિન્દીમાં નાગરિકતા સંશોધન કાયદો કહેવામાં આવે છે. આનાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મેળવવાનો માર્ગ મોકળો થશે.
કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો
વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.
2020થી એક્સ્ટેંશન લેવામાં આવી રહ્યું છે
તમને જણાવી દઈએ કે સંસદીય પ્રક્રિયાના નિયમો અનુસાર, કોઈપણ કાયદાના નિયમો રાષ્ટ્રપતિની સહમતિના 6 મહિનાની અંદર તૈયાર થવા જોઈએ. જો આમ ન થાય તો લોકસભા અને રાજ્યસભામાં ગૌણ વિધાન સમિતિઓ પાસેથી વિસ્તરણની માગ કરવી જોઈએ. CAAના કિસ્સામાં, 2020થી, ગૃહ મંત્રાલય નિયમો બનાવવા માટે નિયમિત અંતરાલે સંસદીય સમિતિઓ પાસેથી એક્સ્ટેંશન લઈ રહ્યું છે.
9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવી રહી છે
છેલ્લા બે વર્ષમાં, નવ રાજ્યોના 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ગૃહ સચિવોને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી આવતા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓને નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ ભારતીય નાગરિકત્વ આપવા માટે સત્તા આપવામાં આવી છે. 2021-22ના ગૃહ મંત્રાલયના વાર્ષિક અહેવાલ મુજબ, 1 એપ્રિલ, 2021થી 31 ડિસેમ્બર, 2021 સુધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના આ બિન-મુસ્લિમ લઘુમતી સમુદાયોના કુલ 1,414 વિદેશીઓને ભારતીય નાગરિકતા આપવામાં આવી છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ લઘુમતીઓને નાગરિકતા આપવામાં આવેલ 9 રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, પંજાબ, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મહારાષ્ટ્ર છે.