રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાની 108 એમ્બ્યુલન્સને ગઇ કાલે રાત્રે 10.20 કલાકે ગીર ગઢડા તાલુકાના ભાખા ગામથી એક ફોન આવ્યો હતો. 30 વર્ષના અફસાનાબેનને પ્રસુતિની પીડા ઉપડી હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ જવાની ફરજ પડી હતી. ત્યારે 108 મહિલાને લેવા ભાખા ગામમાં પહોંચી હતી. ત્યાંથી અફસાનાબેનને લઈને ગીરગઢડા સરકારી દવાખાને જવાનું હતું. પરંતુ અચાનક જ રસુલપરા પાટિયા પાસે એમ્બ્યુલન્સ પહોંચી, તો ત્યાં રસ્તામાં 4 સિંહોનું ટોળું બેઠું હતું.

સિંહોને કારણે 108 એમ્બ્યુલન્સને ત્યાં રોકવી પડી હતી. પરંતુ અંદર અફસાનાબેનને પ્રસૂતિની પીડા વધી ગઈ હતી. દુખાવો વધવા લાગ્યો અને 108મા રહેલા ઈમરજન્સી સ્ટાફ ઇએમટી. જગદીશ મકવાણા અને પાઇલોટ ભરત આહીર દ્વારા જીલ્લા અધિકારી શ્રી જયેશ કારેણા તથા યૂવરાજસિહ ઝાલા નાં માર્ગદર્શન હેઠળ અમદાવાદ હેડ ઓફિસે મા બેસેલ ડૉક્ટર શ્રી નો સંપર્ક કરી એમ્બ્યુલન્સમાં મહિલાને ડિલીવરી કરાવી હતી. આવા કપરા સંજોગોમાં અફસાનાબેને તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો.