2.50 લાખ આપી લગ્ન કરી પત્નીને કેશોદ લાવ્યો; સ્માર્ટ ફોન, દાગીના અને જોઈએ ત્યારે રૂપિયા આપતો છતાં નાગપુર ભાગી ગઈ..
લગ્નની લાલચમાં ઘણા યુવાનો લૂંટેરી દુલ્હનનો ભોગ બની રહ્યા છે. જૂનાગઢના કેશોદનો એક યુવાન પણ લગ્ન કરીને છેતરાયો હતો. કેશોદના યુવાન દુર્ગેશને મહારાષ્ટ્રની લલિતાએ લગ્ન કરીને લાખોનો ચૂનો ચોપડ્યો હતો. 2.50 લાખ આપીને લલિતા સાથે લગ્ન કર્યા હતા. એ બાદ તેને કેશોદ લાવ્યો હતો. જ્યા સ્માર્ટ ફોન, દાગીના સહિત રૂપિયા આપ્યા હતા છતાં થોડા દિવસોમાં જ પોતાની મામીની તબિયત ખરાબ છે તેમજ રક્ષાબંધનનો તહેવાર છે એમ કહી તે પોતાના ઘરે રફુચક્કર થઈ ગઈ હતી. તે આજસુધી પરત ન આવતાં યુવકે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે…
દુર્ગેશને લગ્ન માટે લલચાવી નાગપુર લઈ ગયા
કેશોદના ચૂનાભઠ્ઠી રોડ પર રહેતા અને ફ્રૂટ્સની લારી ચલાવતો યુવાન મહારાષ્ટ્રની મહિલા સાથે લગ્ન કરીને છેતરાયો હતો. દુર્ગેશ ધામેચા નામના 33 વર્ષના યુવાનના લગ્ન થતા નહોતા, જેથી ઘનશ્યામ અને રૂપેશ ધામેચા નામની બે વ્યક્તિએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દુર્ગેશને લગ્નની લાલચ આપીને ફસાવ્યો હતો. દુર્ગેશને લગ્ન માટે લલચાવી મહારાષ્ટ્રના નાગપુર લઈ ગયા હતા, જ્યા તેની મુલાકાત મનીષ વારજુકર, પ્રીતિ વારજુકર, લલિતા ભાસ્કરે, સૂરજ ચૈતુપુણે અને અર્ચના ચૈતુપુણે સાથે થઇ હતી. દુર્ગેશની સગાઈ નાગપુરની લલિતા સાથે કરાવી લગ્નની તારીખ નક્કી કરવામાં આવી હતી. ત્યાર બાદ દુર્ગેશના લગ્ન લલિતા સાથે કરાયા હતા.
લલિતા મોબાઈલ, ઘરેણાં, કપડા લઈને રફુચક્કર થઈ
લલિતા સાથે લગ્ન કરાવવા માટે દુર્ગેશ પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા રૂ 2,49,000, કપડાં, મોબાઈલ અને ઘરેણાં સહિતની વસ્તુઓ મળી કુલ રૂ. 3 લાખથી વધુ મેળવી લીધા હતા. લગ્ન બાદ દુર્ગેશ લલિતા સાથે કેશોદ આવ્યો હતો. આ દરમિયાન રક્ષાબંધનનો તહેવાર નજીક આવતો હોવાથી તેમજ તેના મામીની તબિયત સારી ન હોવાનું કહી નાગપુર જવું છે એમ કહી લલિતા મોબાઈલ, ઘરેણાં, કપડાં લઈને રફુચક્કર થઈ ગઈ હતી, જે આજ દિવસ સુધી પરત ફરી નથી. અવારનવાર તેમનાં પરિવારજનો અને વચેટિયાઓને ફોન કરી કારણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી, જોકે તમામ લોકોએ હાથ ઊંચા કરી દેતાં યુવાનને જાણ થઈ કે તેની સાથે છેતરપિંડી થઈ છે અને પૈસા પડાવવા માટે આ સમગ્ર કાવતરું રચાયું હોવાનું ખૂલ્યું હતું.
શું કહે છે ભોગ બનનાર દુર્ગેશે?...
આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવક દુર્ગેશે જણાવ્યું હતું કે મારા લગ્નને લઈ રૂપેશ અને ઘનશ્યામે મારો સંપર્ક કર્યો હતો. તેમણે મને જણાવ્યું હતું કે આપણે નાગપુર જવું પડશે, ત્યાં જઈએ તો તારા લગ્ન થઈ જશે, જેથી અમે કેશોદથી નાગપુર ગયા હતા, જ્યાં એક હોટલમાં રોકાયા હતા. ત્યાં બે વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી હતી. તેમણે સૂરજ ચૈતુપુણેના ઘરે જવા જણાવતાં અમે તેના ઘરે ગયા હતા, જ્યાં 60 હજાર રૂપિયા ચૂકવવાનું કહેતાં મેં તેમને 60 હજાર રૂપિયા આપ્યા હતા. એ બાદ બીજા દિવસે કોર્ટમાં નોંધણી કરાવી હતી. એ બાદ ચાર દિવસ સુધી અમારે ત્યાં જ રોકાવું પડ્યું હતું. એ બાદ તેને લઈને અમે કેશોદ આવ્યા હતા, જ્યા જે લગ્નની વિધિ હોય એ કરી હતી અને સર્ટિ. બનાવ્યું હતું. ત્યાર બાદ થોડા દિવસોમાં જ તે કહેવા લાગી હતી કે મારી મામીની તબિયત સારી નથી, એમ કહીને તે રોવા લાગી હતી. એ બાદ તે ઘરે ગઈ હતી. રોકડ રકમ તેમજ ઘરેણાં વગેરે બધું તેની પાસે હતું, એ લઈને જ તે ઘરે ગઈ હતી.
દુર્ગેશ પાસેથી ત્રણ લાખથી વધુની રકમ પડાવી
કેશોદના ડીવાયએસપી બીસી ઠક્કરે જણાવ્યું હતું કે કેશોદ પોલીસ સ્ટેશનમાં એક છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં ફરિયાદી દુર્ગેશ ધામેચાના લગ્ન ન થતા હોવાથી તેના ભાઈ રૂપેશ અને કેશોદના ઘનશ્યામ નેભાણીનો સંપર્ક કર્યો હતો. કેશોદના રૂપેશ ધામેચા અને ઘનશ્યામ મેઘાણીએ નાગપુર ખાતે અગાઉ અન્ય લોકોના પણ મહિલાઓ સાથે લગ્ન કરાવ્યા હતા. એને લઈ આ બંને ઈસમોએ નાગપુર જઈ લલિતા સાથે દુર્ગેશના લગ્ન કરાવ્યા હતા. આ લગ્ન કરાવી દુર્ગેશ પાસેથી ત્રણ લાખથી વધુની રકમ પડાવી લીધી હતી.
પોલીસે બે આરોપીને ઝડપી પાડ્યા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે લગ્નના થોડા દિવસો બાદ જ રક્ષાબંધનના તહેવાર પર જવાનું કહી દાગીના, રોકડ લઈ આરોપી મહિલા લલિતા પોતાના ઘરે જતી રહી હતી. મહિનાઓ વીતવા છતાં પણ કેશોદ પરત ફરી ન હતી, જેથી છેતરપિંડીનો ભોગ બનનાર દુર્ગેશ ધામેચાએ ઘનશ્યામભાઈ મેઘાણી, રૂપેશ ધામેચા, મનીષ વારજુકર, પ્રીતિ વારજુકર, લલિતા ભાસ્કરે, સૂરજ ચેતુપુણે અને અર્ચના ચેતુપુણે વિરુદ્ધ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ઘનશ્યામ અને રૂપેશ નામના બે આરોપીને ઝડપી લીધા છે.
આરોપીઓનાં નામ
- ઘનશ્યામ નેભવાણી
- રૂપેશ ધામેચા
- મનીષ વારજુકર
- પ્રીતિ વારજુકર
- લલિતા ભાસ્કરે
- સૂરજ ચૈતુપુણે
- અર્ચના ચૈતુપુણે