નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટ જ્યુડીશ્યલ કસ્ટડીમાં
વડોદરાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના બાળકોને ગત તા. 18 જાન્યુઆરીના રોજ પ્રવાસ માટે લેકઝોન ખાતે લાવવામાં આવ્યાં હતા. જ્યાં બોટમાં ક્ષમતા કરતા વધુ બાળકોને બેસાડતા ગોઝારી દુર્ઘટના ઘટી હતી. આ મામલે પોલીસે કૂલ 20 જવાબદારો સામે ગુનો નોંધી હતો. જેમાં અત્યારુ સુધીમાં 16ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હજી ચાર ફરાર છે.
હરણી લેકઝોન દુર્ઘટનાના જવાબદારોને સખ્તમાં સખ્ત સજા મળે તેવી લોકોમાં માગ ઉઠી છે. આ સાથે જે પરિવારોએ તેમના બાળકો ગુમાવ્યાં છે, તેમણે પણ ન્યાય માટે હુંકાર લગાવી છે. પોલીસે ગતરોજ 20 પૈકીના બે ફરાર જવાબદાર ધર્મીલ શાહ અને દિપેન શાહેની જૂના પાદરા રોડ સ્થિત ચકલી સર્કલથી ધરપકડ કરી હતી.
આજરોજ પોલીસે આ બન્નેને કોર્ટમાં રજુ કરી 10 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. જોકે નામદાર કોર્ટે ધર્મીલ શાહ અને દિપેન શાહના આગામી 13 ફેબ્રુઆરી સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે. બીજી તરફ પોલીસ રિમાન્ડ પર રહેલા નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થતાં તેઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં હતા. નામદાર કોર્ટે નિલેશ જૈન અને અલ્પેશ ભટ્ટને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો.
હરણી લેકઝોન દુર્ઘટનાના જવાબદારોની જામીન અંગે આજે સુનવણી
ન્યૂ સનરાઇઝ સ્કૂલના 12 માસૂમ બાળકો અને 2 શિક્ષિકાના મોતના જવાબદારો સામે સખ્તમાં સખ્ત સજા થાય તેવી લોકોમાં માગ ઉઠી છે. ત્યારે ત્રણ નેહા દોશી, તેજલ દોશી અને જતીન દોશીની 29 જાન્યુઆરીના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જવાબદારોની પુછતાછ કરવા પોલીસે રિમાન્ડ મેળવ્યાં હતા. પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા તેઓને કોર્ટે જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. દરમિયાન આ ત્રણેય દ્વારા જામીન અરજી કરવામાં આવી છે, જેની આજે સ્પેશ્યલ પબ્લીક પ્રોસીક્યુટરની હાજરમાં સુનવણી હાથ ધરાશે.