તંત્રી : ધર્મેશ વિનુભાઈ પંચાલ
કાલોલ મુકામે આજથી પાંચ દિવસ માટે પુષ્ટિમાર્ગય 84 બેઠક ચારિત્રમૃત મહોત્સવ અંતર્ગત કથારસ પાનનો ભવ્ય શુભારંભ થયો હતો.
શ્રી સુધા સત્સંગ મંડળ અને સ્વ. મંજુલાબેન જગમોહનદાસ શાહ આચાર્ય નિવાસના 17માં પાટોત્સવના ઉપલક્ષમાં આયોજીત આ મહોત્સવ અંતર્ગત સુદ્ધાંદ્વૈત શ્રી વલ્લભગૃહ પીઠના વૈષ્ણવાર્યા પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રી એ વ્યસાસનથી પ્રેરક વચનામૃતો અને લૌકિક દ્રષ્ટાતોથી ઉપસ્થિત વૈષ્ણવજનને પુષ્ટિપ્રણેતા જગદગુરુ શ્રીમદ્ આચાર્યજી મહાપ્રભુજીની 84 બેઠકજીનું માહાત્મ્ય સમજાવ્યું હતું.
કથા પ્રારંભના આજના પ્રથમ દિવસે પોથીજીને ભવ્ય શોભાયાત્રાથી કથા મંડપના સ્થળે પધરાવ્યા હતા. પૂ. પા. ગો. 108 શ્રી કુંજેશકુમારજી મહારાજશ્રીના પ્રેરક સાંનિધ્યમાં સુધા સત્સંગ મંડળ ભવનથી નીકળેલ શોભાયાત્રા પરવડી – ગોહ્યા બજાર – રણછોડજી મંદિરના માર્ગે કથા મંડપમાં પહોંચી હતી જ્યાં પૂ. શ્રી નું સામૈયું અને વધામણાં લેવાયા હતા.
શોભાયાત્રા દરમ્યાન કાલોલ વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. 17 માં પાટોત્સવના ઉપલક્ષમા આયોજીત કાર્યક્રમો અંતર્ગત આગામી તા. 3 જાન્યુ. સુધી દરરોજ બપોરના 3 થી 6 સુધી નિત્ય કથા રસપાન સમેત તા. 2 જાન્યુ. ના રોજ કથા સમય બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પાટોત્સવ ના શુભ દિને મધ્યકાલે નંદ મહોત્સવ તથા તિલક આરતી અને નિત્ય કથા વિરામ બાદ 84 બેઠકજીના આબેહૂબ પ્રતિકૃતિના અલૌકિક દર્શન તથા સમસ્ત વૈષ્ણવજન માટે મહાપ્રસાદનો કાલોલ વૈષ્ણવ સમાજના મનોરથ સ્વરૂપે રાખવામાં આવેલ છે.
ઉલ્લેખનીય છે કે કાલોલ મુકામે સમયના ટૂંકા ગાળામાં સતત બીજા પુષ્ટિમાર્ગીય મહા ઉત્સવને લઈ કાલોલ વૈષ્ણવ સમાજ સમસ્ત આનંદ વિભોર બન્યો હતો.