સ્થાનિકોએ રૂમમાં પૂરેલી મહિલાને અભયમે બહાર કાઢી; પતિ પત્નીને એકલી મૂકી આણંદ જતો રહ્યો.
વડોદરા શહેરમાં અજીબોગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. અભયમની મદદે મહિલાઓ, વૃદ્ધો અને દીકરીઓ મદદ માંગતા હોય છે. આજે કોઈ પતિ કે ઘરના ત્રાસથી નહીં પરંતુ પોતાના એપાર્ટમેન્ટના લોકોની હેરાનગતિથી ત્રસ્ત મહિલાએ અભયમની મદદ માંગી હતી. જેમાં માત્ર 600 રૂપિયા મેન્ટેનન્સ ન આપતા એપાર્ટમેન્ટના લોકોએ મહિલાને રૂમમાં પૂરી દીધી હતી. મહિલાએ અભયમની મદદ લઈ છુટકારો મેળવ્યો હતો.
રૂમમાં લોક મારી મહિલાને પુરી દીધી
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના આયુર્વેદ 4 રસ્તા પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા એપાર્ટમેન્ટના મેન્ટેનન્સ ચાર્જ ન ભરતા રહીશોએ મહિલાને રૂમમાં પુરી લોક મારી દીધો હતો. જેથી મહિલાએ બહાર નીકળવા 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરતા અભયમની રેસ્ક્યુ ટીમ સ્થળ પર પહોંચી એપાર્ટમેન્ટમાં રૂમમાં પુરેલી રૂમનું લોક ખોલી મહીલાને બહાર કાઢવામાં આવી હતી. આખરે આ મહિલાને રૂમમાંથી મુક્ત કરી હતી.
મેન્ટેન્સની વારંવાર માંગણી
આ અંગે મહિલાએ અભયમને જણાવ્યું હતું કે, પતિ સાથે અણબનાવ થતા પોતના પિયરમા રહેતા હતાં. છેલ્લા 3 માસથી તેઓ પતિ સાથે રહેવા આવેલા હતા. જેથી તેમના પતિ તેમને એકલા મુકી આણંદ તેમનાં બેનના ઘેર રહેતા હતાં. ઘરમાં કોઈ જાતની જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓ ના હોવાથી ખૂબ મૂશ્કેલી અનુભવતા હતાં. એપાર્ટમેન્ટનો મેન્ટેનન્સ ખર્ચ અને પાણીની ટાંકી સાફ કરવાના રૂપિયા 600 બાકી રહેતા તેમના એપાર્ટમેન્ટના રહીશો વારંવાર માગણી કરતા હતાં, પરંતુ મહિલા પાસે કોઈ રકમ ન હોવાથી આપી શકે તેવી સ્થિતિમાં ન હતી.
અભયમે મહિલાને રૂમમાંથી બહાર કાઢી
આજે સ્થાનિક રહીશોએ મેન્ટેન્સના રૂપિયાની માંગણી કરી હતી. જે આ મહિલાએ ન આપતા આખરે સ્થાનિક એપાર્ટમેન્ટના લોકોએ મહિલાને રૂમમાં પુરી લોક મારી દીધો હતો. જેથી મહિલાએ આખરે અભયમની મદદ લીધી હતી. અભયમ ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી મહિલાને બહાર કાઢ્યા હતાં. રહીશોની આ હરકત બદલ અને પતિ સામે પોલીસને રજૂઆત કરવામા આવી હતી. પોતાને મળેલ સમયસર મદદ બદલ મહિલાએ અભયમ અને શી ટીમનો આભાર માન્યો હતો.