પોલીસે કહ્યું- ‘યુવરાજસિંહ અને તેમના માણસોએ પ્રકાશ દવે પાસેથી 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ રૂપિયા લીધા’
ડમીકાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ સામે હવે ખંડણી અને કાવતરા સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. યુવરાજસિંહ અને તેમના માણસો સામે 1 કરોડ રૂપિયા લીધા હોવાનો આરોપ છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપતા હોવાનું પણ રેન્જ આઈજી ગૌતમ પરમારે જણાવ્યું હતું.
યુવરાજસિંહ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે- રેન્જ IG
ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમારે પ્રેસ કોન્ફરન્સ કરતા કહ્યું હતું કે, આજે યુવરાજસિંહને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તેઓ પૂછપરછ દરમિયાન ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. યુવરાજસિંહ સામે સાંયોગિત પુરાવા, CCTV, ગુપ્ત ચેટ અને અન્ય પુરાવાઓ મળ્યા હોવાની વાત રેન્જ આઈજીએ કરી હતી.
પોલીસ સમક્ષ હાજર થતા પહેલા શું કહ્યું હતું યુવરાજસિંહે?
ભાવનગર એસપી કચેરી બહાર યુવરાજસિંહે પત્રકાર પરિષદ યોજી અનેક મંત્રી, પૂર્વ શિક્ષણમંત્રીનાં નામો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કૌભાંડમાં મોટાં માથાં મને દબાવવાના પ્રયાસ કરે છે. ભૂતકાળમાં પણ પોતાની પાર્ટીમાં આવવાના પ્રલોભનો આપ્યા હતા. આ કૌભાંડ 2011થી નહીં, 2004થી ચાલે છે. કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે. એવા એકેયને સમન્સ પાઠવ્યું નથી. અવિનાશ પટેલનું અને જશુ ભીલને કેમ સમન્સના આપ્યું? યુવરાજસિંહે અવધેશ, અવિનાશ, આસિત વોરા, જશુ ભીલ અને જિતુ વાઘાણીનાં પણ નામો બોલ્યા હતા. હું વધુ 30 જેટલાં નામો આપવાનો છું, જેમાં પૂર્વ શિક્ષણમંત્રી અને વર્તમાન મંત્રી પણ છે.
મેં મારા 5 વારસદાર નીમ્યા છે
તેમણે વધુમાં કહ્યું કે મને આશંકા છે કે આ લોકો મને પતાવી દેવા માગે છે, મને હિટ એન્ડ રન અથવા અન્ય કોઈ રીતે પતાવી દેવાશે એવું મને લાગે છે, એટલે મેં મારા 5 વારસદાર નીમ્યા છે. મેં વર્તમાન ગૃહ રાજ્યમંત્રીને પણ પુરાવા આપ્યા છે છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. સરકારને તકલીફ મારાથી છે. જો ભાજપનો ખેસ પહેરી લીધો હોત તો તકલીફ ન થાત..