ફરિયાદ પક્ષના વકીલે કહ્યું- ચુકાદો હાઇકોર્ટમાં પડકારાશે
અમદાવાદમાં 2002ના નરોડા ગામ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સ્પેશ્યલ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. નરોડા ગામ હત્યાકાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 21 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરી 2002ના રોજ 13ને જીવતા સળગાવી દેવાયા હતા. ચુકાદાને લઈ સેશન્સ કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કોર્ટના જજ એસ.કે.બક્ષી કોર્ટમાં હાજર રહ્યા છે.નરોડા ગામ હત્યા કેસમાં પૂર્વ તત્કાલિન મંત્રી માયાબેન કોડનાની, તત્કાલિન કોર્પોરેટર સહિત બજરંગ દળના કાર્યકર્તા સામે ગુનો નોંધાયો હતો. 86 આરોપીઓમાંથી 17નાં મોત થતાં હવે 69 આરોપીઓ અંગે કોર્ટ ચુકાદો સંભળાવશે.આ મામલે સુપ્રીમના આદેશ બાદ SITની રચના કરવામાં આવ હતી જેમાં 84 આરોપીઓ સામે ચાર્જફ્રેમ કરાયો હતો. 28 ફેબ્રુઆરી 2002ના રોજ 13ને જીવતા સળગાવી દેવાયા હતા. 100થી વધુ દસ્તાવેજી પુરાવાની તપાસ કરવામાં આવી છે. આ કેસમાં વર્ષ 2017માં ફાઈનલ હિયરિંગની શરુઆત કરવામાં આવી હતી.
આજે ફરી અમે નિરાશ થયાઃ ફરિયાદી પક્ષના વકીલ
શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, અમારો પ્રશ્ન હજી એ જ છે કે, નરોડા ગામમાં 11 લોકોને કોણે જીવતા સળગાવી દીધા હતા. સરકાર તરફથી અમને નિરાશા મળી હતી, બાદમાં SITની રચના કરવામાં આવી હતી. જેની તપાસ બાદ આજે સ્પેશિયલ કોર્ટમાં ચુકાદો આવતા ફરી આજે અમે નિરાશ થયા છીએ. 5 વર્ષ પહેલા આજના જ દિવસે માયા કોડનાનીને હાઇકોર્ટે (નરોડા પાટીયા કેસમા) નિર્દોષ જાહેર કર્યા હતા. આજે ફરી નિર્દોષ જાહેર કર્યા છે. ઘણી બધી વિગતો છે જે કેમેરા સામે ન કહી શકુ. જ્યારે નિર્દોષ જાહેર થતા જયદીપ પટેલે જણાવ્યું હતું કે, કોર્ટનો ચુકાદો શિરોમાન્ય છે અને સત્યનો વિજય થયો છે.
નિર્દોષ છૂટતા પરિવારજનોએ નારા લગાવ્યા
આજે તમામને નિર્દોષ છોડાયા બાદ તમામ આરોપીઓના સ્વજનો કોર્ટ કેમ્પસની બહાર પાર્કિંગમાં બેઠા હતા અને તેમની સાથે આવેલી મહિલાઓ સતત મંત્રજાપ કરતી હતી કે તેમના સ્વજનોને છોડી દેવામાં આવે. આ બધાની વચ્ચે જેવો જ કોર્ટનો ચુકાદો આવી ગયો અને તમામ લોકોના આંખમાં હર્ષના આંસુ આવી ગયા હતા. ત્યારે કેટલાક લોકો ‘જય શ્રીરામ’ અને ‘ભારત માતા કી જય’ના નારા કરતા કરતા બહાર નીકળ્યા હતા.
નરોડા ગામમાં 70 પોલીસ કર્મીનો ચાંપતો બંદોબસ્ત
બીજી તરફ નરોડા ગામમાં પણ સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. નરોડા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 1 PI, 4 PSI સહિત 70 પોલીસ જવાન નરોડા ગામમાં સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. ગોધરાકાંડ બાદ વર્ષ 2002નાં રમખાણોમાં નરોડા ગામ હત્યાકાંડ મામલે સુપ્રીમ કોર્ટ રચિત ખાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા કોર્ટમાં કેસની અંતિમ દલીલો પૂર્ણ થઈ ચૂકી હતી. નરોડા ગામ હત્યાકાંડ કેસમાં પોલીસે જે-તે સમયે 70થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એમાં પૂર્વ મંત્રી માયા કોડાનાની સહિત 69 આરોપી સામે સ્પેશિયલ કોર્ટે આજે ચુકાદો સંભળાવી નિર્દોષ જાહેર કર્યા છે.
શું હતી આખી ઘટના?
27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરા ખાતે સાબરમતી એક્સપ્રેસમાં અયોધ્યાથી પરત ફરી રહેલા કારસેવકોના ડબ્બામાં પેટ્રોલ નાખીને તેમને જીવતા સળગાવી નાખવામાં આવ્યા હતા. તેના પ્રત્યાઘાતરૂપે 28 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ તોફાનોમાં 28 ફેબ્રુઆરીના રોજ નરોડા ગામમાં 11 લોકોને ઘરમાં અને બહાર જીવતા સળગાવી નાખવામાં આવ્યા હોવાનો આરોપ હતો.