એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સની જવાબદારી શહેર પોલીસ તંત્રને સોંપાશે.

breaking Gujarat Latest Madhya Gujarat

વડોદરા એરપોર્ટને કસ્ટમ ક્લીયરન્સ મળ્યા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની ગતિવિધિ તેજ થઈ છે તે જોતા આગામી જાન્યુઆરી 2024માં અખાતી રાષ્ટ્રોની ઈન્ટરનેશનલ ફલાઈટ શરુ થવાનો પ્લાન ઘડાઈ ચુકયો છે.

જે સંદર્ભે સોમવારે અમદાવાદ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને શહેરના પોલીસ અધિકારીઓની ટીમ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કસ્ટમ ક્લીયરન્સ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના ચૂસ્તપણે પાલન અંગે વિવિધ પાસાઓ ઉપર ચર્ચા થઈ હતી. હવે બીજી બેઠક આગામી તા.21મી એપ્રીલે વડોદરા એરપોર્ટ ખાતે યોજાશે. જેમાં અમદાવાદ તેમજ દિલ્હીથી વિવિધ એજન્સીઓના અધિકારીઓ મિટીંગ યોજીને એક્શન પ્લાન બનાવશે. શહેરના હરણી ખાતે રૂ. 160 કરોડના ખર્ચે બનેલાં ઈન્ટીગ્રેડેટ એરપોર્ટનું વર્ષ 2016માં લોકાર્પણ થયું હતુ. 7 વર્ષ પછી 2023માં ઈન્ટરનેશનલ એરપોર્ટની માન્યતા પ્રાપ્ત થઈ છે. ઈન્ટરનેશનલ એરપોર્ટને લઈને કસ્ટમ ક્લીયરન્સ અંગે લીલી ઝંડી મળી છે. ઈન્ટરનેશનલ ફલાઈટોની અવર જવર શરુ થાય તો સૌથી મોટી જવાબદારી ઈમીગ્રેશન ક્લીયરન્સની હોય છે. આ વિન્ડોને અભેદ બનાવવા માટે જવાબદારી વડોદરા શહેર પોલીસ તંત્રને આપવામાં આવી છે. જે અંગે સત્તાવાર નિર્ણય પણ લઈ લેવાયો છે.

  • જાન્યુઆરીથી અખાતી રાષ્ટ્રોમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટો શરૂ થવાની ગણતરી
  • અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પહેલી બેઠક યોજાઈ
  • DCP, ACP સ્પેશિયલ બ્રાન્ચ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ નિર્ણય લેવાયા પછી વડોદરા પોલીસ અને એરપોર્ટ ઓથોરીટી વચ્ચે ગઈકાલે સોમવારે અમદાવાદ સ્થીત સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે મળી હતી. વડોદરા પોલીસ તંત્ર તરફથી ડી.સી.પી. અભય સોની, સ્પેશીયલ બ્રાન્ચના એ.સી.પી. બી.એસ. રબારી, પી.આઈ. શિંદે તથા અન્ય અધિકારીઓ ઉપસ્થીત રહયાં હતા. કલાકો સુધી મિટીંગ ચાલી હતી. હવે બીજી મિટીંગ તા.21મી એપ્રીલ 2023ના રોજ વડોદરા એરપોર્ટ સંકુલમાં મળશે જેમાં સેન્ટ્રલ આઈ.બી., ઈન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટી અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઈમીગ્રેશન તેમજ સ્પેસ અંગે ચર્ચા થશે તેમ જાણવા મળ્યું છે.

પોલીસનો એક્શન પ્લાન તૈયાર : 2 શીફ્ટમાં ફરજ સોંપાશે

વડોદરા એર્પોર્ટના ન્યૂ ઇન્ટીગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ (NITB) ઈન્ટરનેશનલ એરપોર્ટની પ્રક્રીયામાં ઈમીગ્રેશનની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટને સોંપાઈ છે તેવુ સ્પષ્ટ થતાં 2 શિફટમાં પોલીસ ડયુટીનો શેડયુઅલ ગોઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દરેક શીફટમાં 1 પી.આઈ., 10 પી.એસ.આઈ. અને 10 કોન્સટેબલો ફરજ ઉપર રહેશે. ફલાઈટનો સમય મોટાભાગે નાઈટનો રહેશે.

ઈન્ટરોગેશન અને ડિટેન્શન સેન્ટર માટે સ્પેસની માગણી કરી છે : અભય સોની

વડોદરા એરપોર્ટ સંકુલમાં ઈમિગ્રેશન વિન્ડો પાસે ઈન્ટરોગેશન સેન્ટર તેમજ ડીટેન્શન સેન્ટર માટે વિશેષ જગ્યા ફાળવવા એરપોર્ટ ઓથોરિટી સમક્ષ માંગણી કરવામાં આવી છે તેમ ડી.સી.પી. અભય સોનીએ જણાવ્યું છે. ઈન્ટરનેશનલ ફલાઈટો શરુ થતાંની સાથે ઈમીગ્રેશનની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા નીભાવામાં આવશે. આ પ્રક્રીયાને લોખંડી બનાવાશે. લુક આઉટ નોટીસ માટે સેન્ટ્રલ લેવલથી સિસ્ટમ વિકસાવાશે. દેશના કોઈ પણ શહેર કે નગરમાંથી આરોપી સામે લુક આઉટ નોટીસ ઈશ્યુ થઈ હશે અને તે આરોપી હવાઈ મુસાફરી કરીને એરપોર્ટ ઉપર આવશે એટલે ઈમીગ્રેશન વખતે સિસ્ટમ એલર્ટનો મેસેજ આપશે એટલે તે યાત્રીને ઈમીગ્રેશન ક્લીયર કરવા દેવાશે નહીં જેને ડિટેન્શન સેન્ટરમાં બેસાડવા માટે બે વિશાળ કમરા (સેન્ટર) માટે સ્પેસની માંગણી કરવામાં આવી છે.

ઈમિગ્રેશનની કામગીરી 3 વર્ષ પછી કેન્દ્રીય સુરક્ષા એજન્સીને સોંપાશે

સામાન્ય રીતે ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમીગ્રેશનની જવાબદારી કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓની હોય છે. વડોદરા શહેરમાં શરુ થનારા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શરુઆતના 3 વર્ષ સુધી ઈમીગ્રેશનની જવાબદારી શહેર પોલીસ તંત્રની રહેશે. ત્યાર પછી કેન્દ્રીય સુરક્ષા એજન્સીની એન્ટ્રી થશે. ઈમીગ્રેશનની કામગીરી માટે શહેર પોલીસ તંત્રના ચુનીંદા અધિકારીઓની ટૂંક સમયમાં ટ્રેનિંગ શરુ થશે તેમ જાણવા મળ્યું છે.

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *