સુરત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. સુરતના આમ આદમી પાર્ટીના છ જેટલા કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભાજપ કમલમ ખાતે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો પહોંચ્યા છે. આ પહેલાં પાર્ટીના ચાર અને નવા છ કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે દિલ્હી મુખ્યમંત્રી અને આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને CBIનું તેડું આવ્યું હતું અને બીજી તરફ સુરતમાં 6 કોર્પોરેટરે આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. સુરતમાં ગત મનપાની ચૂંટણીમાં AAPમાંથી 27 કોર્પોરેટર ચૂંટાઈ આવ્યા હતા. આ પહેલાં 4 કોર્પોરેટર AAPમાંથી ભાજપમાં ગયા હતા. આ સાથે અત્યારસુધીમાં કુલ 10 કોર્પોરેટર ભાજપમાં જોડાઇ ચૂક્યા છે.


ભાજપમાં જોડાયેલા AAPનાં મહિલા કોર્પોરેટર.
AAPના કોર્પોરેટરે ભાજપનો ખેસ અને ટોપી પહેરી કેસરિયો ધારણ કર્યો.
કોર્પોરેટર ભાજપમાં જોડાતાં AAPના પ્રદેશ અધ્યક્ષે આક્ષેપો કર્યા.
સુરત આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ભાજપમાં જોડાતાં આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ આક્ષેપ કર્યો હતો કે અમારા કોર્પોરેટરોને 50થી 75 લાખ રૂપિયા આપીને ખરીદી લીધા છે. શિક્ષણમંત્રીના બંગલામાં આ કોર્પોરેટરો ગયા હતા અને ત્યાં જ ષડયંત્ર રચાયું હતું. અમારા ઘણા કોર્પોરેટરોને ડરાવી-ધમકાવીને લઈ ગયા છે.
શિક્ષણમંત્રીએ બંગલે બોલાવી રૂપિયાની લાલચ આપી
AAPનાં કોર્પોરેટર દીપ્તિ સાકરિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ અમને તેમના ગાંધીનગર બંગલામાં બોલાવ્યા હતા. ત્યાં બેસીને વાત કરવામાં આવી હતી કે તમને આટલા રૂપિયા આપવામાં આવશે. આ વાત કરી તેમણે કહ્યું હતું કે તમે ભાજપ સાથે જોડાઇ જાઓ. એ લોકોને એમ થતું હતું કે હું તેમની સાથે જ છું, આથી મેં અમારા મહામંત્રી મહેશભાઈ સોરઠિયાને જણાવ્યું કે આવું બધું ચાલી રહ્યું છે. ત્યારે જ બધી વાત બહાર આવી. AAPના જે કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે એ દુઃખની વાત છે. આમ તો અમને તોડી શકે એમ નથી, પણ પૈસાની લાલચ આપી ભરમાવીને અમને તેમની સાથે જોડાવાનું કહે છે.


કોર્પોરેટર ખરીદાતા હોય તો ત્યારે જ ન ખરીદી શકાય
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે સુરત શહેરનો વિકાસ એ ભાજપના શાસનમાં થયો છે. દુનિયાનાં 10 શહેરમાંનું એક શહેર એટલે સુરત શહેર છે. ગુજરાત રોલ મોડલ તરીકે ભારતનું રાજ્ય છે. દુનિયાની અંદર ગુજરાત નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે, આથી આ શુભેચ્છક મિત્રોએ સુરતના વિકાસના હેતુસર આમ આદમી પાર્ટીમાં તેમણે શાસન જોયું, તેમના વિચારો જોયા અને ભાજપના વિકાસની યાત્રા જોઈ. આ બન્ને વચ્ચે સામ્યતા કરી ત્યારે તેમણે ભાજપની વિકાસયાત્રાને ધ્યાનમાં રાખી ભાજપમાં જોડાયા છે. કોર્પોરેટર ખરીદાતા હોય તો ત્યારે જ ન ખરીદી શકાય. ભાજપની વિચારધારાને સમર્પિત આ સમાજસેવકો છે અને ભાજપમાં જોડાયા છે.
સુરત AAPના 6 કોર્પોરેટર ભાજપમાં જોડાયા
ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીના 6 કોર્પોરેટર ઉધનામાં આવેલા ભાજપ કાર્યાલયએ પહોંચીને ભાજપમાં જોડાયા હતા. મળતી માહિતી પ્રમાણે, સુરતના વિપક્ષના નેતા સહિતના કોર્પોરેટરો ભાજપમાં જોડાયા છે. ભાજપ કાર્યાલય ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મોટા નોતાઓની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.
સાચી દિશા અપનાવી 10 કોર્પોરેટર ભાજપમાં જોડાયા
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે દેશહિત અને રાજ્યહિતમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ આજે સાચી દિશા અપનાવીને ભાજપમાં જોડાયા છે. ભાજપની વિચારધારને જોઈએ 10-10 કોર્પોરેટરે આમ આદમી પાર્ટીમાં રાજીનામું આપ્યું છે અને ભાજપના પરિવારમાં જોડાયા છે ત્યારે સૌ સભ્યોનું હું દિલથી સ્વાગત કરું છું.
ભાજપમાં રહીને લોકોની સેવા કરીશું
ધર્મેન્દ્ર ભંડેરીએ વધુમાં જણાવ્યું હતું કે લોકોની સેવા કરવી હોય તો અમને ક્યાં તકલીફ છે. તેમને એવું લાગતું હોય કે તેઓ ભાજપમાં જઈને જ સારી રીતે લોકોની સેવા કરી શકે તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને હવે પછી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણીમાં જીત્યા અને પછી લોકોની સેવા કરીશું
સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા…નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.
સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા...નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.
