હજી ઠંડી પાંચ દિવસ ધ્રુજાવશે
દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં સાઈક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેની અસરોથી આગામી 5 દિવસો દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને કારણ 2થી 3 ડીગ્રી તાપમાનમાં ઘટશે. પવન સાથે તાપમાન નીચું જતા ઠંડીમાં વધારો થશે અને આગામી 3 દિવસ વાતાવરણ સૂંકુ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા પણ આગામી તા.25, 26 અને 27 એમ ત્રણ દિવસ તાપમાનનો પારો નીચે ઉતરશે અને તેના કારણે ઠંડીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરવામાં આવી છે.
ઠંડીની આગાહીને પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લાની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક, શાળાઓના સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપી હતી. જેના પગલે જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલોની સવારની પાળીના સમયમાં ફેરફાર કરવા માટે સૂચના આપી હતી.
મંગળવારથી તાપમાન ફરી ઘટવાની સંભાવના
શનિવારે સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહ્યું હતું. આ સિવાય ભાવનગરમાં 14.2 ડીગ્રી, દ્વારકા 15.2 ડીગ્રી, પોરબંદર 13 ડીગ્રી, વેરાવળ 15.2 ડીગ્રી, દીવ 13.6 ડીગ્રી, સુરેન્દ્રનગર 12.5 ડીગ્રી, મહુવા 12.9 ડીગ્રી, કેશોદ 11.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. જોકે મંગળવારથી તાપમાન ફરી ઘટવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ઠંડો પવન ફૂંકાવાને કારણે સૌ કોઈ ગરમ વસ્ત્રોમાં જોવા મળતા હતા. એટલું જ નહીં જનજીવન પ્રભાવિત બન્યું હતું. સતત ત્રણ-ચાર દિવસ સુધી કોલ્ડવેવ અને ત્યારબાદ ત્રણ-ચાર દિવસ સુધી ગરમી રહેતા મિશ્ર ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. જેથી શરદી- ઉધરસ, વાઇરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થઇ રહ્યો છે. સિવિલ તથા ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઊભરાઇ રહી છે.
સ્કૂલમાં જવું મુશ્કેલ બન્યું હતું
સવારથી જ શરૂ થતાં સુસવાટા મારતા ઠંડા પવનના કારણે ઠંડીનું જોર રહે છે. પરિણામે સવારની પાળીમાં સ્કૂલોમાં જતાં કે.જી.ના ભૂલકાંઓથી લઈને સવારની પાળીના વિદ્યાર્થીઓને ધ્રુજતા-ધ્રુજતા સ્કૂલે જવું પડે છે. વહેલી સવારની કડકડતી ઠંડીમાં વિદ્યાર્થીઓને ઉઠીને સ્કૂલે જવું મુશ્કેલ બનતું હતું. વહેલી સવારે જોરદાર ઠંડી રહેતી હોવાથી સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળતી હતી. જોકે, કેટલીક સ્કૂલોના કડક નિયમોના કારણે વિદ્યાર્થીઓને ફરજિયાત સ્કૂલે જવું પડતું હતું. જોરદાર ઠંડીના કારણે વિદ્યાર્થીઓની હાલત કફોડી બની જતી હતી. પરિણામે વાલી મંડળ દ્વારા પણ સવારની પાળીના સમયમાં ફેરફાર કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માંગણી કરવામાં આવી હતી. દરમિયાન ગુજરાતમાં બે વિદ્યાર્થીનું અસહ્ય ઠંડીમાં સ્કૂલે જવાના કારણે અવસાન થતાં, સ્કૂલોમાં પહેલી પાળીના સમયમાં ફેરફાર કરવા માટે તિવ્ર માંગ ઉઠી હતી.
અમદાવાદનું મહત્તમ તાપમાન 27.8 ડીગ્રી
શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.0 ડીગ્રી ગગડીને 27.8 ડીગ્રી અને લઘુતમ તાપમાન 1 ડીગ્રી ગગડીને 10.8 ડીગ્રી નોંધાયું હતું. શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલાં ઠંડા પવનો બપોર સુધી યથાવત રહેતાં બપોર સુધી શહેરમાં ઠંડીનો ચમકારો વર્તાયો હતો. પરંતુ, બપોર બાદ ઠંડા પવનોનું જોર ઘટતાં ઠંડીમાં ઘટાડો થયો હતો. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદનું લઘુતમ તાપમાન 1 ડીગ્રી ગગડીને 9થી 12 ડીગ્રી રહેવાની આગાહી છે. સાઈક્લોનિક સરક્યુલેશનની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના લઘુતમ તાપમાન સામાન્ય ઘટાડો નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 9.3 ડીગ્રી સાથે વલસાડ સૌથી ઠંડુ શહેર બન્યું હતું. આ ઉપરાંત 5 શહેરોમાં ઠંડીનો પારો 10 ડીગ્રી નીચે નોંધાયો હતો. તેમજ દરિયાકાંઠાના શહેરોને બાદ કરતાં તમામ શહેરોનું લઘુતમ તાપમાન 15.0 ડીગ્રીથી નીચે નોંધાતા લોકોએ ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો. આગામી ત્રણ દિવસો દરમિયાન રાજ્યના તમામ શહેરોના લઘુતમ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહિવત છે.
રાજકોટમાં પવનના કારણે શીતલહેર છવાઈ
શનિવારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લઘુતમ તાપમાન ડબલ ડિજિટમાં રહ્યું હતું, પરંતુ રાજકોટમાં શનિવારે દિવસભર 20 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને કારણે શીતલહેર છવાઈ હતી. જોકે સવારે- સાંજે સૌથી વધુ ઠંડી અનુભવાઈ હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હજુ 24 કલાક તાપમાન યથાવત્ રહેશે. રાજકોટમાં સવારે લઘુતમ તાપમાન 11.2 અને મહત્તમ તાપમાન 26.1 ડીગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 77 ટકા નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ તાપમાન ઓખામાં 18.2 ડીગ્રી રહ્યું હતું. જ્યારે સૌથી નીચું તાપમાન અમરેલીમાં 10.4 ડીગ્રી હતું.
સુરતમાં તાપમાનમાં એક ડીગ્રી જેટલો ઘટાડો
ઉત્તર તરફથી પવન ફૂંકાતા તાપમાન ઘટવાની સાથે લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો હતો. છેલ્લા દિવસોથી પશ્ચિમ તરફથી વાતા પવનએ દિશા બદલી છે. શનિવારે ઉત્તર તરફથી પવનો ફૂંકાતા શહેરના તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. શહેરનું મહત્તમ તાપમાન શુક્રવારની સરખામણીમાં એક ડીગ્રી ઘટીને 28.3 ડીગ્રી નોંધાયુ હતુ.જ્યારે લઘુતમ તાપમાનમાં એક ડીગ્રીનો વધારો થયો હતો. શનિવારે લઘુતમ તાપમાન 15.6 ડીગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 28% જેટલું રહ્યું હતું. જ્યારે ઉત્તર દિશા તરફથી 7 કિમીની ઝડપે પવન ફૂંકાતા સુરતીઓએ દિવસ દરમિયાન ઠંડીનો અહેસાસ કર્યો હતો