એલર્ટ : ગુજરાતમાં ઓમિક્રોનના સબ વેરિયન્ટના બે કેસ હોવાની ચર્ચા, તાત્કાલિક કરી દવા અને કોવિડ કેર સેન્ટરોની વ્યવસ્થા.

breaking Corona Gujarat Health Latest

Editor : Dharmesh Vinubhai Panchal

ચીનમાં વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સાવચેત બની છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં રીવ્યુ બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં કોવિડ 19ની સ્થિતિ બાબતે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાજ્યમાં ઓક્સિજન, દવા, કોવિડ કેર સેન્ટર, રસીકરણ જેવી સુવિધા બાબતે રિવ્યૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તાર અને જિલ્લામાં આરોગ્ય માટેની સગવડ કેવા પ્રકારની છે? તે અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ હોવાની ચર્ચા
ચીનમાં કોરોનાનો ખતરનાક ઓમિક્રોનનો સબ વેરિયન્ટ BF.7ના કેસો જે રીતે આવી રહ્યા છે. ત્યારે સૂત્રો મુજબ ઓમિક્રોનના સબવેરિયન્ટના ગુજરાતમાં બે કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ નોંધાયો છે. અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં એક અઠવાડિયા પહેલા તે વ્યક્તિને કોરોના થયો હતો અને તેના જિનોમ સિકવન્સ માટે ગાંધીનગર ખાતેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જીનોમ સિક્વન્સની તપાસમાં ઓમિક્રોનનો સબ વેરિયન્ટ હતો. અમદાવાદમાં એક અઠવાડિયા પહેલા કેસ નોંધાયો હતો. જ્યારે વડોદરામાં જે કેસ નોંધાયો છે તે નવો કેસ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હજી સુધી આ મામલે કોઇ જાહેરાત કરવામાં આવી નથી.

હાલ કયા વેરિયન્ટના કેસ આવે છે તે સ્પષ્ટ નથીઃ અગ્ર આરોગ્ય સચિવ
એડિશનલ ચીફ સેક્રેટરી (હેલ્થ) મનોજ અગ્રવાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ચીનમાં જે કોરોનાના વેરિયન્ટ પ્રમાણે કેસો આવી રહ્યા છે તે કયા છે તે હજી સુધી સ્પષ્ટ નથી અને WHO દ્વારા પણ હજી સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં જે પણ કોરોનાના પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેના દરેકના જિનોમ સિક્વન્સ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. હજી સુધી કોઈ એવો કોઈ કેસ ગુજરાતમાં જોવા મળ્યો નથી.

એક કેસ નવો અને એક કેસ જૂનો હોવાનું સામે આવ્યું
ચીનમાં જે રીતે કોરોના ફેલાઈ રહ્યો છે તે ઓમિક્રોનનો સબવેરિયન્ટ BF.7 હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે ત્યારે ગુજરાતમાં જે પણ કોરોનાના કેસ આવી રહ્યા છે, તેના જિનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત બાયો ટેકનિકલ રિસર્ચ સેન્ટરમાં કરવામાં આવેલા ટેસ્ટમાં અમદાવાદ અને વડોદરામાં એક એક કેસ નોંધાયો છે. જેમાં એક કેસ નવો છે અને એક કેસ જૂનો હોવાનું સામે આવ્યું છે. કોરોનાના વધતા કેસોને લઈ અને હવે દરેક પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેને જીનોમ સિક્વન્સ કરવાની સૂચના આપી દેવામાં આવી છે. ગુજરાતમાં હાલમાં એવો કોઈ કેસ હોવાનું સામે આવ્યું નથી. કોરોનાના અલગ અલગ વેરિયન્ટ સબ વેરિયન્ટ જોવા મળે છે. અમદાવાદમાં જે કેસ નોંધાયો હતો તે જૂનો છે અને કવોરન્ટીન થયા બાદ તે કોરોના મુક્ત પણ થઈ ગયો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ મામલે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

G-20 સમિટને લઈને સુચના પ્રમાણે પગલાં ભરવામાં આવશે
વિશ્વમાં ચીનમાં વધી રહેલા કોરોના કેસને લઈને ચિંતા ઉભી થઇ છે. કેન્દ્ર આરોગ્ય વિભાગ પણ રાજ્ય સરકાર સાથે વીડિયો કોન્ફરન્સ મારફતે ચર્ચા કરી હતી. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. જો કે, આગામી સમયમાં G-20 સમિટની 15 જેટલી બેઠક ગુજરાતમાં થશે. આ બેઠક દરમિયાન વિદેશના ડેલીગેશન ગુજરાતના મહેમાન બનશે. ત્યારે કોરોના સંક્રમણ ન વધે તે બાબતે પણ ચર્ચા થઈ હતી. જો કે, G-20 બાબતે આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ કહ્યું હતું કે, મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ લેવલે G-20 બાબતે ચર્ચા થતી હોય છે. રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગને સમય અને સ્થિતિ પ્રમાણે જે સૂચના આપવામાં આવશે તે પ્રમાણે કામ કરીશું. G-20 સમિતિની બેઠક ગુજરાતમાં યોજાશે પણ હાલ ઘણો સમય છે. જો કે, રાજ્યમાં કોરોનાના 20 કેસ જ એક્ટિવ છે. નવો વેરિયન્ટ હાલ રાજ્યમાં જોવા મળ્યો નથી, જેથી કોઈ ચિંતા કરવા જેવી નથી તેમ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારે પત્ર લખી રાજ્યોને જાણ કરી
કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યા આરોગ્ય સચિવને પત્ર લખવામાં આવ્યો છે જેમાં દક્ષિણ કોરિયા જેવા દેશોમાં સંક્રમણ ફેલાયું છે અને કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે તે બાબતની કેન્દ્ર સરકારે તમામ રાજ્યના આરોગ્ય સચિવને પત્ર લખીને જીનોમ સિક્વન્સની બાબતનો ભાર મૂકવામાં આવ્યો છે. જે રાજ્યમાં જીનોમ સિકવન્સીંગ ઓછું કરવામાં આવી રહ્યું હોય તે રાજ્યોમાં જીનોમ સિક્વન્સિંગની સંખ્યામાં વધારો કરવાની સૂચના કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. જીનોમ સિક્વન્સીંગ બાબતે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી

ગુજરાતમાં પ્રતિ દિવસ 8000 સેમ્પલનું જીનોમ સિકવન્સિગ
ગુજરાત સરકારના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે તેમ છતાં પણ પ્રતિદિન 7 હજારથી 8 હજાર જેટલા સેમ્પલનું જિનોમ સિકવન્સ કરવામાં આવી રહ્યું છે, હાલમાં પોઝિટિવ કેસો સિંગલ ડિજીટમાં આવી રહ્યા છે. જ્યારે પ્રતિ માસ સરેરાશ 40 જેટલા જ છે. હાલમાં ગુજરાત માં ફકત 20 કેસ જ એક્ટિવ છે અને હોસ્પિટલમાં એક પણ કોરોના અસરગ્રસ્ત દર્દી દાખલ નથી. તેમ છતાં પણ આગોતરા આયોજન મુજબ ગુજરાતમાં બેડની સંખ્યા, દવાનો પુરતો જથ્થો અને સ્ટાફની સંખ્યા બાબતે પણ આયોજન કરી લેવામાં આવ્યું છે.

રાજ્યના તમામ કોવિડ કેર સેન્ટર એલર્ટ રખાયા
કોરોનાની બીજી લહેર દરમિયાન ગુજરાતની હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી થઈ હતી, ત્યારે અલગ અલગ શહેરના વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા હતા. રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, કોવિડ કેર સેન્ટર અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. હાલની તારીખમાં એક પણ કોવિડ કેર સેન્ટર કાર્યરત નથી. પરંતુ દિલ્હીથી જે સૂચના આવશે તે તમામ સૂચનાનું અમલીકરણ કરવામાં આવશે. પરંતુ વ્યવસ્થા તમામ કરવામાં આવી છે અને જે કોવિડ કેર સેન્ટર હતા તેને અત્યારે તાત્કાલિક ધોરણે એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અત્યારે 33 જિલ્લા પૈકી એક પણ કોવિડ હોસ્પિટલમાં દર્દી દાખલ નથી જેથી હાલના તબક્કે કોવિડ કેર સેન્ટરને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. ઉપરાંત મેડિકલ ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજન પાઇપ લાઇન, ઓકસીજન પ્લાન્ટ દવાનો જથ્થો વગેરે એલર્ટ રાખ્યા છે.

ગુજરાતમાં રસીકરણની સ્થિતિ

  • રાજ્યમાં 4,93,12,483 લોકોએ પ્રથમ ડોઝ લીધો
  • રસીનો બીજો ડોઝ લેનારની સંખ્યા 4,94,25, 474
  • 15 થી 17 વર્ષના 31,31,221 લોકોએ પ્રથમ ડોઝ લીધો
  • 15 થી 17 વર્ષના 29,03,185 લોકોએ બીજો ડોઝ લીધો
  • રાજ્યમાં 60 વર્ષથી વધુ વયના 59,29,740 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો
  • 12 થી 14 વર્ષના 19,40,865 લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો
  • 12 થી 14 વર્ષના 16,77,569 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો
  • 18 થી 59 વર્ષના 1,34,08, 516 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો
  • 8 કોર્પોરેશન અને 12 જિલ્લામાં 100 ટકા રસીકરણ થયું
  • અમદાવાદમાં સૌથી વધારે 5,35,393 લોકોએ બીજો ડોઝ લીધો નથી
  • અરવલ્લી જિલ્લામાં 899 લોકોએ બીજો ડોઝ લીધો નથી
  • આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ તાપી જિલ્લામાં રસીકરણ થયું
  • સૌથી ઓછું છોટા ઉદેપુર વિસ્તારમાં રસીકરણ થયું
  • રાજ્યમાં કોવિશિલ્ડના 41,500 ડોઝ ઉપલબ્ધ છે
  • કો-વેક્સિનના 29,040 ડોઝ ઉપલબ્ધ છે
  • રાજ્યમાં કુલ 70,540 રસીના ડોઝ ઉપલબ્ધ છે

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા...નીચે આપેલ ગ્રુપ માં જોડાવા નીચે ના કોડ ને સ્કેન કરો.​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *