1 અને 5 ડિસેમ્બરે ગુજરાતની ચૂંટણી :
8 ડિસે. પરિણામ, 4 કરોડ 90 લાખ મતદાર 182 ધારાસભ્યને ચૂંટશે: આચારસંહિતા લાગુ
ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે..આજે ચૂંટણીપંચની પ્રેસ-કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીપંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સની શરૂઆતમાં મોરબીની દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
પ્રેસ-કોન્ફરન્સના મહત્ત્વના મુદ્દા
પંચે કહ્યું હતું કે નવા 3.4 લાખ મતદારોએ સુધારેલી નામાંકન ડેડલાઈનનો લાભ લીધો, હવે આ લોકો આ વખતે મતદાન કરી શકશે. ચૂંટણીપંચે નામાંકનની તારીખ સુધારી ન હોત તો તેઓ 1 જાન્યુઆરી 2023 પછીની ચૂંટણી માટે ક્વોલિફાય થઈ શક્યા હોત. તમામ મતદાન મથકે પીવાના પાણી, રેમ્પ, ટોઈલેટ, વેઈટિંગ રૂમ જેવી સુવિધા અપાશે, તમામ મતદાન મથકો ગ્રાઉન્ડ ફ્લોર પર રહેશે. નવો પ્રયોગ- વિશેષ ઓબ્ઝર્વર દરેક મતદાન મથકે રહેશે અને સિનિયર સિટિઝનો, દિવ્યાંગો વગેરે માટે વિશેષ સુવિધાની દેખરેખ રાખશે.
ચૂંટણી કાર્યક્રમ-2022 | પહેલો તબક્કો | બીજો તબક્કો |
ગેઝેટ નોટિફિકેશન | 5 નવેમ્બર | 10 નવેમ્બર |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 15 નવેમ્બર | 18 નવેમ્બર |
ફોર્મ પાછા ખેંચવાની તારીખ | 17 નવેમ્બર | 21 નવેમ્બર |
મતદાન તારીખ | 1 ડિસેમ્બર | 5 ડિસેમ્બર |
મતગણતરી | 8 ડિસેમ્બર | 8 ડિસેમ્બર |
સંદર્ભઃ ઇલેક્શન કમિશન, ભારત |
– 1274 વિશેષ મહિલા મતદાન મથકો- માત્ર મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા ચૂંટણી સ્ટાફ જ રહેશે.
– 182 મતદાન મથકનું સંચાલન માત્ર દિવ્યાંગ ચૂંટણી સ્ટાફ દ્વારા જ કરાશે.
– દરેક જિલ્લામાં એક એવા ગુજરાતમાં 33 મતદાન મથક એવાં હશે, જેમાં સૌથી યુવા સ્ટાફ, એટલે કે હાલમાં જ ભરતી કરાયેલા ચૂંટણી અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ ફરજ બજાવશે.
– 80 કિ.મી. દૂરથી આવવું પડતું હતું- હવે શિપિંગ કન્ટેઈનરમાં મતદાન મથક ઊભું કરાશે- 283 મતદાર છે
– 1 વોટ લેવા માટે 15 જણનો સ્ટાફ જશે- જાફરાબાદના શિયાળબોટના 457 મતદાર માટે વિશેષ વ્યવસ્થા બોટમાં કરાશે
– સિદી સમુદાયના લોકો માટે વિશેષ મતદાન સુવિધા- માધવપુર-ગીર વિસ્તારમાં 200થી વધુ મતદારો છે
– 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો- દિવ્યાંગો- પીડબ્લ્યુડી- જે લોકો મતદાનમથકે આવી નથી શકતા તેમના માટે પોસ્ટલ બેલેટની સુવિધા પૂરી પડાશે
– 9.89 લાખ 80 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝન મતદારો ગુજરાતમાં છે.
– 4.08 લાખ પીડબ્લ્યુડી (દિવ્યાંગ) મતદારો માટે વિશેષ સુવિધા- પાર્કિંગથી લઈને મતદાનમાં પ્રાથમિકતા સુધીની સુવિધા- પીડબ્લ્યુડી અને 80થી વધુ વયના મતદારો માટે પીડબ્લ્યુડી એપ પર બુકિંગ કર્યે વિશેષ સુવિધા મતદાન મથકે મળી શકશે.
– 2017માં 700 ટ્રાન્સજેન્ડર મતદારો હતા, જે અત્યારે 100% વધ્યા, 1417 ટ્રાન્સજેન્ડર મતદારો અત્યારે છે, દેશમાં કુલ 44 હજારથી વધુ ટ્રાન્સજેન્ડર મતદારો છે
નવા મતદારો ઉમેરાયા છે : EC
રાજીવ કુમારે કહ્યું હતું કે મતદારયાદીની પ્રસિદ્ધિ થઈ ગઈ છે. નવા મતદારો ઉમેરાયા છે. ભૂલો સુધારવામાં આવી છે. શહેરોમાં મતદાન વધારવા માટે માટે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં 3.24 લાખ જેટલા નવા મતદારો ઉમેરાયા છે. ગુજરાતમાં 2022 બૂથ એવાં શોધવામાં આવ્યાં છે, જ્યાં સૌથી ઓછું મતદાન થાય છે. આ બૂથ પર મતદાન વધે એ માટે પંચ દ્વારા લોકજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવશે.
ઘરે બેઠા મતદાનની સુવિધા આપશે: EC
ચૂંટણીપંચે પ્રેસ-કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે 80 વર્ષથી વધુ ઉંમરના, દિવ્યાંગ અથવા કોવિડ સંક્રમિત લોકો જે મતદાન કરવા માગે છે, પરંતુ મતદાન બૂથ પર પણ ન આવી શકે, પંચ આવા મતદારોના ઘરે જઈને મતદાન કરવાની સુવિધા આપશે.
ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક છે, તેમાં 40 બેઠક અનામત છે. 13 બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અને 27 બેઠક અનુસૂચિત જનજાતિ (ST) માટે રિઝર્વ છે. 2017માં ભાજપે સંપૂર્ણ બહુમતી સાથે વિજય મેળવીને સરકાર બનાવી હતી. 2017ની ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસને 77 બેઠક મળી હતી, જ્યારે BTPને 2 સીટ અને 4 સીટ પર અપક્ષ જીત્યા હતા.