તાજેતરમાં ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવા ગીર ગામની 14 વર્ષીય માસૂમ ધૈર્યાની તેના પિતાએ જ કરેલી હત્યા મામલે પોલીસ-તપાસ ચાલી રહી છે. હત્યાના બંને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં તેમના 14 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. હત્યારો ભાવેશ અકબરી તપાસમાં પૂરતો સહયોગ ન આપતો હોવાનું પણ સામે આવ્યું છે, એટલે હજુ પણ ધૈર્યા હત્યા કેસમાં અનેક રહસ્યો ખૂલે એવી શક્યતા છે.
કેસની તપાસ નિવૃત્ત જજ પાસે કરાવવા માગ
ગઈકાલે રાત્રિના ધાવા ગામમાં પટેલ સમાજની વાડીમાં સ્વ.ધૈર્યાના આત્માની શાંતિ માટે શોકસભા યોજાઈ હતી, જેમાં પંથકના તમામ ગામોમાંથી તમામ સમાજના આગેવાનો અને લોકોએ મોટી સંખ્યામાં સ્વયંભૂ હાજર રહી માસૂમ દીકરીને ન્યાય અપાવવા માટે લાગણી વ્યક્ત કરી હતી અને આ કેસની તપાસ નિવૃત્ત જજ પાસે કરાવવામાં આવે એવી માગ કરી હતી. આ બાબતે આજે બપોરે સર્વે સમાજના લોકો એકત્ર થઈ રાજ્ય સરકારને મામલતદાર મારફત આવેદનપત્ર પાઠવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
માસૂમ દીકરીની આત્માની શાંતિ માટે તમામ લોકોએ બે મિનિટનું મૌન પાળ્યું
તાલાલાના ધાવા ગીર ગામની માસૂમ દીકરી ધૈર્યા ઉપર તેના પિતા અને મોટા બાપુજીએ અમાનુષી અત્યાચાર ગુજારીને મોતને ઘાટ ઉતારી દીધાની ઘટનાથી પંથક સહિત જિલ્લા અને રાજ્યભરના સર્વ સમાજના લોકો સ્તબ્ધ બની ગયા છે. દરમિયાન ગઈકાલે રાત્રિના ધાવા ગામમાં આવેલી લેઉવા પટેલ સમાજની વાડીમાં દીકરી સ્વ.ધૈર્યાની આત્માની શાંતિ માટે શોકસભા રાખવામાં આવી હતી, જેમાં ધાવા ઉપરાંત પંથકનાં તમામ ગામોમાંથી સર્વ સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા હતા. આ શોકસભામાં માસૂમ દીકરીના આત્માની શાંતિ માટે તમામ લોકોએ બે મિનિટનું મૌન પાળી ભગવાનના નામનું સ્મરણ કર્યું હતું.
ટનામાં સંડોવાયેલા આરોપીઓને કડક સજાની માગ
આ શોકસભામાં હાજર સર્વ સમાજના આગેવાનો-લોકોએ એક સૂરે માસૂમ દીકરી ધૈર્યાને યોગ્ય ન્યાય મળી રહે અને સભ્ય સમાજને હચમચાવતી આ ઘટનામાં સંડોવાયેલા જે કોઈ આરોપીઓ હોય તે તમામને દાખલારૂપ કડક સજા મળવી જોઈએ એવી લાગણી વ્યક્ત કરી હતી. આ ઘટનાની તપાસ નિવૃત્ત જજ પાસે કરાવવાની લાગણી વ્યક્ત કરી હતી. આ લાગણી ઉચ્ચ કક્ષા સુધી પહોંચાડી અવગત કરાવવા માટે આજે બપોર બાદ પંથકનાં તમામ ગામોમાંથી સર્વ સમાજના આગેવાનો અને લોકોએ તાલાલા ખાતે એકત્ર થઈ મામલતદારને આવેદનપત્ર પાઠવવા જવાનું નક્કી કરાયું હતું.
ગીર સોમનાથના તાલાલાના ધાવા ગીર ગામે સુખી-સંપન્ન પરિવારની 14 વર્ષીય માસૂમ દીકરીને વળગાડ હોવાની શંકાએ તેના પિતા અને મોટા બાપુજીએ તાંત્રિક વિધિના રવાડે ચડી અમાનુષી અત્યાચાર કરી તેની હત્યા નિપજાવ્યાની હચમચાવતી ઘટના સામે આવી. પોતાની પુત્રીને વળગણ છે એવું પિતાને લાગતાં પોતાના ભાઈ સાથે પોતાની વાડીએ બાળકીને બાંધીને સાત દિવસ સુધી ભૂખી-તરસી રાખવામાં આવી હતી. આ ઉપરાંત બાળકીનાં કપડાં સળગાવીને તેને અગ્નિની નજીક ઊભી રાખતાં તેના શરીર ઉપર ફોડલા ઊપડેલા છતાં પણ શેતાન પિતાનું હૃદય નહોતું દ્રવ્યું. પિતા અને મોટા બાપુજીએ જ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કાતિલ પિતાએ માસૂમની કરેલી હત્યાની સમગ્ર ઘટનાથી તેની પત્નીને અજાણ રાખી હતી. તેના છાનેછૂપે કરાયેલા અગ્નિસંસ્કાર બાદ જ જનેતાને મૃત્યુની જાણ કરી હતી. આ હચમચાવી નાખતા ઘટસ્ફોટ બાદ માસૂમ દીકરીના નાનાએ તેના જમાઈ અને તેના મોટા ભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હાલ દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસના સકંજામાં છે.