રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ગાયે ભેટીએ ચઢાવ્યાની ઘટના બન્યા બાદ વડોદરામાં જન્માષ્ટમીની રાત્રે બાઇક લઈને નીકળેલા બાઇકચાલકને રસ્તા પર રખડતી ગાયે ભેટીએ ચઢાવતાં તેનું મોત થયું હતું. પરિવારના મોભીનું મોત થતાં પત્ની અને દીકરીનો સહારો છીનવાયો હતો. મૃતક જિજ્ઞેશભાઈની દીકરી કિરણ રાજપૂતે જણાવ્યું હતું કે, અમારા પરિવારમાં મારા પપ્પા જ હતા, બીજું કોઈ નહોતું. તે જ અમારું સર્વસ્વ હતા.
મોડી રાત્રે બનેલી આ ઘટનાએ પરિવાર સહિત લોકોમાં પાલિકા સામે ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે. નોંધનીય છે કે રાજ્યના મુખ્યમંત્રીની તિરંગાયાત્રામાં આખલો ઘૂસી જવાની બનેલી ઘટના બાદ CM ભૂપેન્દ્ર પટેલે રસ્તે રખડતાં ઢોરોને પકડવાની ટકોર કરી હતી. જોકે એને પકડવાનો નિર્ણયનો હજી સુધી અમલ થયો નથી.
આ તબક્કે સ્થાનિકો પશુપાલકોએ જણાવ્યું હતું કે, રખડતાં ઢોરોના પાપે અમારા ઢોરવાડામાં બાંધેલા ઢોરો પણ પકડવામાં આવી રહ્યા છે. અમે અમારી ગાયોને રખડતી મુકતા નથી. તેઓ ઢોરવાડામાં જ બંધાયેલી હોય છે. છતાં આજે અમારી ગાયોને પાલિકા દ્વારા કબજે કરાઈ છે. તેઓએ વધુમાં જણાવ્યું કે, જે ગાયના કારણે ગઈ કાલે આ અકસ્માત બન્યો હતો એ ગાયના માલિક સામે કાર્યવાહી કરવામાં આવે, તેને પકડવામાં આવે, નિર્દોષ પશુપાલકોની ગાયોને રંઝાડવામાં ન આવે.
પાલિકા દ્વારા જે પ્રકારને પશુપાલકોના ઘરમાંથી ગાયો છોડાવીને લઈ જવામાં આવી છે તેને લઈને રોષની લાગણી વ્યાપી છે. જેને લઈને પશુપાલકો પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અહિંયા પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પતરા મારીને ઢોરવાડાને સીલ કરવામાં આવ્યા હતા. આ સાથે પાલિકા દ્વારા નોટિસ પણ લગાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રાત્રે દોઢ વાગ્યાના અરસામાં એક ગાયની અડફેટે આવતાં શહેરના 48 વર્ષિય વ્યક્તિનું મોત નિપજ્યુ હતું. તેના પ્રત્યાઘાત એટલાં ઘેરા પડ્યા કે આજે પાલિકાની ઢોર પાર્ટી દ્વારા મેયરના આદેશ પર આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના બાદ પાલિકાની કાર્યવાહી અંતે વાત કરતા મેયર કેયુર રોકડિયાએ કહ્યું કે, જે વિસ્તારમાં અકસ્માતની ઘટના ઘટી હોવાની પ્રાથમિક માહિતી મળી ત્યાં પાલિકાની વિવિધ ટીમો દ્વારા ઢોરવાડા સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે વડોદરા મનપા દ્વારા આગળ શું વધુ કાર્યવાહી કરવામાં આવે છે.