ખંભાત તાલુકાના રેલ ગામથી 5 કિમી દૂર સદીઓ જૂનું કુદરતી રીતે નિર્માણ પામેલું કનેવાલ તળાવ આવેલ છે. 13 કિમીના ઘેરાવામાં ફેલાયેલાં તળાવ વચ્ચે ત્રણ ટાપુ આવેલા છે. કનેવાલ તળાવમાંથી ખંભાત સહિત તાલુકાના રેલ, ઇશનપુર, વરસડા, વલ્લી, ખાખસર, પાદરા, તારાપુર, ઇસરવાડા, ટોલ, મહિયારી, ઇશનપુર, ખાનપુર સહિતન 54 ગામોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. કનેવાલ તળાવમાં 43 ફૂટ સુધી પાણી ભરવામાં આવે છે. તળાવની ફરતે 9 ગેટ આવેલા છે. ચોમાસામાં વધુ પાણી ભરાય ત્યારે સિંચાઇ માટે આજુબાજુના ગામોના ખેડૂતોને પાણી અપાય છે. આ તળાવમાંથી કેનાલ મારફતે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારના 60 ગામોને પણ પીવાનું પાણી અપાય છે. જેથી સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજુલા, પીપળી, ધોલેરા, ધંધુકા સહિતના ગામો માટે પણ આ તળાવ જીવાદોરી સમાન છે. ઉનાળામાં પાણીની તંગી નિવારવા મહીં સિંચાઇની કેનાલમાંથી પાણી છોડાતાં તળાવમાં નવા નીર આવ્યાં છે.ખંભાત કનેવાલ તળાવ વચ્ચે આવેલા 13 હેકટરના ટાપુ પર 215થી વધુ લોકો હોડી યુગમાં જીવી રહ્યાં છે. તેઓ બારે માસ પાણી વચ્ચે રહે છે અને નજીકના અન્ય બે ટાપુ પર નાની મોટી ખેતી કરે છે. આ ટાપુ પર વીજળી, શાળા કે દવાખાના જેવી કોઈ સુવિધા નથી છતાં કુદરતના ખોળે રહેતાં સંતુષ્ટ લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે. રાત્રે અંધકાર વચ્ચે સ્થાનિક ટાપુ વાસીઓ પોતાના કાચા ઘરમાં સ્વખર્ચે સોલાર પેનલથી થોડો ઉજાસ ફેલાવે છે. ઘરનો સામાન લેવા, દૂધ વેચવા, સ્કૂલે જવા એમને રોજ તળાવ ઓળંગીને હોડીમાં બીજે પાર નજીકના ગામમાં જવું પડે છે.
