ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં દીપડાઓ ધામા નાંખી આંટાફેરા કરતા જોવા મળે છે. આવી જ રીતે જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામના સીમ વિસ્તારમાં દીપડાના ધામાથી ગ્રામજનો અને ખેડૂતો ભયના ઓથર હેઠળ હતા. જેને લઈ વનવિભાગે કવાયત હાથ ધરી હતી. જેમાં છેલ્લા 15 દિવસમાં ગામની સીમમાં આવેલી એક જ વાડીમાંથી પાંચ દીપડા પાંજરે પૂરાતાં ચકચાર મચી જવા પામી છે. જો કે દીપડાઓ પાંજરે પૂરાતાં ગ્રામજનોમાં રાહતની લાગણી પ્રસરી છે. કોડીનાર તાલુકાના ડોળાસા ગામના રહીશ કાળુભાઇ નારણભાઈ બારડની વાડી ગામના સીમ વિસ્તારમાં આવી છે. વાડીમાં તેઓ પરીવાર સાથે રહે છે. આ વાડીમાં અને આસપાસ છેલ્લા થોડા દિવસોથી દીપડા, દીપડી બચ્ચાઓ સાથે આંટાફેરા કરતા જોવા મળતા હતા. જેને લઈ ખેડૂત કાળુભાઈએ જામવાળા વનવિભાગને જાણ કરી હતી. જેને લઈ વિભાગના દિપકસિંહ રાઠોડ, અલીભાઈ, સેવરાભાઈ, સાગરબાપુ, જીતુભાઈ ગોહિલ, જીતુભાઈ મોરી સહિતના છેલ્લા વીસેક દિવસથી દીપડાઓને કેદ કરવા કાળુભાઈની વાડીમાં અને આસપાસમાં પાંજરા ગોઠવી કવાયત હાથ ધરી હતી. જેમાં કાળુભાઈની વાડીમાં રાખવામાં આવેલા પાંજરામાં મારણની લાલચે ગઈકાલે ગુરૂવારે વધુ એક દીપડો કેદ થયો હતો. જેને વનવિભાગના સ્ટાફે નજીકના એનીમલ કેર સેન્ટર ખાતે મોકલ્યો હતો. આ કિસ્સામાં રસપ્રદ વાત એ છે કે, ડોળાસા ગામના સીમ વિસ્તારમાં કાળુભાઈની આવેલ વાડી જાણે દીપડાઓનું ઘર બની ગયુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. કેમ કે, આ વાડીમાંથી જ છેલ્લા પંદર દિવસમાં પાંચ દીપડાઓ વન વિભાગે પાંજરે પૂરી કેદ કર્યા છે. કેદ થયેલ દીપડા- દિપડીનો પરીવાર ઘણા સમયથી ડોળાસા ગામ આસપાસ ધામા નાંખી આંટાફેરા કરી રહ્યો હતો. જે કેદ થઈ જતા ગ્રામજનો અને ખેડુતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે.
