રણમાંથી દર વર્ષે અંદાજે 13 લાખ મેટ્રિક ટન મીઠું ટ્રક અને ડમ્ફરો દ્વારા ખેંચીને ખારાઘોઢા લાવવામાં આવે છે. હાલમાં અંદાજે 20 ટકા મીઠું ખેચાયુ છે જોકે, હજું અંદાજે 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. ત્યારે છેલ્લા બે દિવસથી રણકાંઠામાં વાદળછાયા વાતાવરણ અને વરસાદી ઝાંપટાથી અગરિયાઓ અને મીઠાના વેપારીઓનો જીવ પડીકે બંધાયો છે કારણ કે, અત્યારે જો કમોસમી વરસાદ ખાબકે તો કરોડો રૂ. નું અંદાજે 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં જ રહી જવાની દહેશત છે. કચ્છના નાના રણના ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં દર વર્ષે અંદાજે 12 થી 13 લાખ મેટ્રિક ટન મીઠું પાકે છે અને હાલમાં રણથી ખારાઘોઢા ટ્રકો અને ડમ્પરો દ્વારા મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. જેમાં અંદાજે 20 % મીઠું ખેચાઇ ચુક્યુ છે. જોકે, હજી રણમાં અંદાજે કરોડો રૂપિયાનું 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું છે. ત્યારે હવામાન ખાતાની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી રણકાંઠામાં વાદળછાયા વાતાવરણની સાથે ઝીંઝુવાડા રણના કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાંપટાથી ગરમીમાં તો થોડા ઘણા અંશે ઘટાડો નોંધાતા રાહત થઈ હતી. પરંતુ વાતાવરણમાં અચાનક પલટાથી વાદળછાયા વાતાવરણના કારણે રણમાં મીઠું પકવતા હજારો અગરિયા પરિવારોની સાથે સાથે મીઠાના વેપારીઓનો જીવ પણ પડીકે બંધાયો છે. રણકાંઠામાં કમોસમી માવઠું ખાબકે તો કરોડો રૂ. નું અંદાજે 8થી 10 લાખ મેટ્રિક ટન મીઠું રણમાં જ રહી જવાની દહેશત ઉભી થતા આખુ વર્ષ રાત દિવસની અથાગ મહેનત કરનારા અગરિયા પરિવારોના મોંઢામાં આવેલો કોળીયો છીનવાઇ જવાની ભીતિ ઉભી થઇ છે. પાછલા ત્રણ-ચાર વર્ષની કારમી મંદિનો માર ઝીલી માંડ તેજીના તીખારા વચ્ચે બેઠા થયેલા મીઠાના વેપારીઓનું મીઠું જો રણમાં રહી જાય તો એમને પડ્યા પર પાટુ જેવો ઘા જેવી કફોડી હાલત સર્જાવાની દહેશતે મીઠાના વેપારીઓ અને અગરિયા સમુદાયનો જીવ પડીકે બંધાયો છે.