ગુજરાતમાં કોરોનાકાળમાં સ્કૂલ ફીને લઈને અનેક વિવાદો સામે આવી ચૂક્યાં છે. ત્યારે રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા FRCમાં દરખાસ્ત કરીને ફી વધારવા મંજુરી માંગવામાં આવી છે. બીજી બાજુ FRC દ્વારા ખાનગી સ્કૂલોનો ફીનો સ્લેબ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ ફીના સ્લેબ પ્રમાણે પ્રિ પ્રાયમરીથી ધો.12 સાયન્સ સુધીની ફી 15 હજારથી 30 હજાર સુધી છે. જેમાં 20થી 35 ટકાનો વધારો રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા માંગવામાં આવ્યો છે. રાજ્ય શાળા સંચાલક મંડળે પત્ર લખીને મુખ્યમંત્રીને જણાવ્યું છે કે વર્ષ 2017 થી ખાનગી સ્કૂલના ફી ના સ્લેબ યથાવત છે. જેમાં પ્રિ પ્રાયમરી તથા પ્રાયમરીની ફી 15,000, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક 25,000, ઉચ્ચતર માધ્યમિક સાયન્સ પ્રવાહ 30,000 છે. આ ત્રણ સ્લેબ મહત્તમ મર્યાદાના છે.આ સ્લેબ ઉપર વધારાની ફી માટે FRCને અઢાર પુરાવા સાથે અરજી કરવાની હોય છે. પરંતુ તમામ સ્કૂલોની ફીનો વધારો મંજુર થતો નથી. છેલ્લા 5 વર્ષમાં સ્કૂલ ચલાવવા મકાનનું ભાડું,મેદાન મેન્ટેનન્સ, લાઈટબીલ,વેરા,ઈન્ટરનેટ,વેતન તથા ખર્ચાઓમાં 40 થી 45 ટકાનો વધારો થયો છે. સંચાલકોને પણ આર્થિક તૂટ પડે છે. જેથી ફી ના સ્લેબમાં મોંઘવારી ઉમેરીને વર્ષ 2022-23 થી અમલ કરાવવો જેમાં નવી પ્રિ પ્રાયમરી તથા પ્રાયમરી ફી 20 હજાર, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકની ફી 30 હજાર અને ઉચ્ચતર માધ્યમિક સાયન્સ પ્રવાહની ફી 36 હજાર કરવી એટલે ફીમાં 20 થી 35 ટકા સુધીનો વધારો કરવો જોઈએ.
