સરગાસણ વિસ્તારમાં આનંદ પ્રમોદના સ્થળ તરીકે એમ્યુઝમેન્ટ પાર્ક વિકસાવવાની ગાંધીનગર શહેરી વિકાસ સતામંડળની યોજના ન્યાયિક પ્રક્રિયાના કરાણે અટકી પડી હતી. દરમિયાન ગુજરાત હાઇકોર્ટમાં થયેલા કેસનો નિકાલ આવી જતાં હવે ગુડા દ્વારા સરગાસણ વિસ્તારમાં એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની યોજના હાથ ધરવામાં આવશે. દરમિયાન તંત્રે અહીં વીના વિલંબે ૧૨ મીટર પહોળો રોડ પણ ખોલી દેવામાં આવ્યો હતો. નગર રચના યોજના નંબર ૭ના સરગાસણ વિસ્તારમાં કબીર ફ્લેટથી સરગાસણ ગામ તરફ જતા ૧૨ મીટરના રસ્તાનું અમલીકરણ અટક્યુ હતું. કેમ કે અહીંના રહેવાસી દ્વારા છેલ્લા બે વર્ષથી હાઇકોર્ટમાંથી આ રસ્તાના અમલીકરણ માટે સ્ટે મેળવવામાં આવ્યો હતો. હાઇકોર્ટ દ્વારા આ મેટરનો નિકાલ કરવામાં આવતા તે ઓર્ડરનું તુરંત અમલીકરણ કરીને ૧૨ મીટરના રસ્તાનો કબજો સ્ટાફ દ્વારા લેવામાં આવ્યો છે. આમ થવાથી જાહેર જનતાને અને આજુબાજુના રહીશોને લાઈટ પાણી અને ગટર માટે પડતી અગવડો દૂર કરીને આ માળખાકીય સુવિધા આપી શકાશે. આ ઉપરાંત આ રસ્તા અમલીકરણ થવાને કારણે ઞુડાના એમ્યુઝમેન્ટ પાર્કની જમીનનો કબજો પણ હવે મેળવી શકાશે. પરિણામે સરગાસણના રહીશોને તથા નાના ભૂલકાઓ એમ્યુઝમેન્ટ પાર્કનો આનંદ લઇ શકાશે. દરમિયાન ગુડાના અધિકારી સુત્રોએ વધુમાં જણાવ્યુ હતું, કે નગર રચના યોજના નંબર ૧૫ના કોલવડા વિસ્તારમાં ૨૪ મીટર પહોળાઇનો આયુર્વેદિક કોલેજ તરફ જતો પાંચ નંબરના રોડથી કનેક્ટ થતો ૨૪ મીટર રોડ પણ ખોલી દેવામાં આવ્યો છે. ૨૪ મીટરનો આ રોડ પૂરેપૂરો ખુલી જવાથી આયુર્વેદિક કોલેજ તરફ જતા વાહનોનું ટ્રાફીક ભારણ ઓછું થવાથી પરિવહનમાં સાનુકૂળતામાં વધારો થશે.