હવામાન વિભાગની આગાહીના પગલે ખેડા જિલ્લામાં ગત્ રોજ રાત્રેે કમોસમી વરસાદના અમીછાંટણા થયા હતા. ૨૦ થી ૩૦ કિમીની ઝડપે ફુંકાતા પવનને કારણે વાતાવરણ ઠંડુગાર બન્યુ હતું. વહેલી સવારે જીલ્લાવાસીઓએ ઉનાળાની ઋતુમાં ઠંડીનો અનુભવ કર્યો હતો. આજે પણ વહેલી સવારથી જિલ્લામાં આકાશમાં વાદળો ઘેરાયેલા જ જોવા મળ્યા હતા. આખો દિવસ વાદળો અને સુરજદાદા વચ્ચે સંતાકૂકડી રમાતી રહી હતી. હવામાન વિભાગ દ્વારા હજુ પણ બે દિવસમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરી છે. તો વળી સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટ્રોમ સાથે પણ વગર ઋતુના વરસાદની આગાહી કરાઇ છે. ત્યારે ખેડા જિલ્લામાં છેલ્લાં બે દિવસથી વાતાવરણ વાદળછાયું રહ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન વિભાગ દ્વારા વરસાદની સાથે સાથે પ્રતિ કલાક ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ખેડા જિલ્લામાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. બે દિવસથી વહેલી સવારથી જ કાળાડીંબાંગ વાદળોએ આકાશમાં કબજો જમાવી દીધો છે. અને ધીમે ધીમે ગત્ રોજ મોડી રાત્રે પોતાના પગરવ પણ ખેડા જિલ્લામાં પાડી દીધા છે. ખેડા જિલ્લામાં આજે લઘુતમ તાપમાન ૨૪ અને ભેજનું પ્રમાણ ૫૦ ટકાથી પણ વધુ રહેતા જિલ્લાવાસીઓને બફારાનો પણ અહેસાસ થયો હતો. જો કે આવા વાતાવરણથી અંગ દઝાડતી ગરમીથી જીલ્લાવાસીઓને રાહત તો મળી છે. તો બીજી તરફ ધરતીપુત્રો કમોસમી વરસાદથી પોતાનો મહામહેનતે તૈયાર કરેલ તમાકુ અને શાકભાજી સહિતના પાક નિષ્ફળ જવાની ચિંતામા સરી પડયા છે. ગત્ રોજ મોડી રાત્રે પડેલા સામાન્ય વરસાદ પછી કેરીનો પાક પણ બગડવાનો ભય સતાવી રહ્યોે છે. તો કેરી હજુ પણ મોંઘી થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ગૃહીણીઓના બજેટમાં પણ આ કમોસમી વરસાદની અસર વર્તાશે.
