અન્ય જિલ્લાની સાથો સાથ ભાવનગર ગુડઝ ટ્રાન્સપોર્ટ એસોસીએશન દ્વારા મોંઘવારીના માર વચ્ચે ડિઝલના વધારા તેમજ ટોલ ટેક્સના વધારાને લઇ ભાડામાં ૭ થી ૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. બજારમાં મળતી મોટાભાગની વસ્તુ બહારગામથી આવતી હોય છે તો ક્યાંક સ્થાનિક વસ્તુ બહારગામ જતી પણ હોય છે. માલની હેરફેર માટે મહત્વની ભૂમિકા ભજવતું ટ્રાન્સપોર્ટ ક્ષેત્ર પણ મોંઘવારીના આ સમયમાં અસરગ્રસ્ત બન્યું છે. ભાવનગરમાં ગુડઝ અને ક્લડ ટ્રાન્સપોર્ટમાં ગાડીઓ ચાલી રહી છે. ગુડસમાં ૧૦ ટનથી ઓછા વજનવાળા પાર્સલની હેરફેર થતી હોય છે જ્યારે કુલડમાં ૧૦ થી વધુ વજન હોય છે. છેલ્લા ૩૦ દિવસમાં ડિઝલના ભાવમાં ૧૧ રૂપિયાનો વધારો થતા સંપૂર્ણ બિઝનેસ અસરગ્રસ્ત બનવા પામેલ છે. ભાવનગર શહેર-જિલ્લાની ટ્રાન્સપોર્ટની અંદાજીત ૨૫૦ જેટલી ગાડીઓ અને સળંગ ટ્રાન્સપોર્ટની ગાડીઓને પણ આ ડામ સહન કરવાનો વારો આવ્યો છે. ભાવનગરમાંથી ભંગાર, પાઉડર, ભુંગળા, ડુંગળી, લીંબુ વગેરે માલની નિકાસ થાય છે જે દિલ્હી, કાનપુર, હરદ્વાર, મદ્રાસ સુધીનું પરિવહન થઇ રહ્યું છે ત્યારે ડિઝલનો આ ભાવ વધારો ધરાર ભાડા વધારવા પર મજબુર કરી રહ્યો છે જેના કારણે ૭ થી ૮ ટકાનો ભાવ વધારો કરવા નિર્ણય લેવાયો હોવાનું જણાયું છે જેના કારણે વેપારીનો માલનો પણ ભાવ વધવા પામ્યો છે. તો આ ઉપરાંત વાહનોના સ્પેરપાર્ટમાં ભાવ વધારો, મજુરીમાં ભાવ વધારો વગેરે પણ અસરગ્રસ્ત બનતા મોંઘવારી સતત વધી રહી છે. જેના સરવાળે ડામ આમ નાગરિક ઉપર જ આવે છે.અમદાવાદ માટે મહત્તમ ઉપયોગ ૧૭ કિમીનો પણ ટોલટેક્સ ૩૫ કિમીનો લેવાય છે ભાવનગરનું મોટાભાગનું ટ્રાન્જેક્શનનું હેડ ક્વાટર અમદાવાદ હોય જે રૂટ પર ટોલટેક્સ શરૂ કરાયો છે. આ ટોલટેક્સ શરૂ થતા એક ગાડીએ ૩૦૦નો ચાંદલો ફરજીયાત બન્યો છે. જો કે, ટોલટેક્સ પણ નારીચોકડીથી લઇ અધેલાઇ સુધીનો લેવામાં આવે છે. જો કે, ભાવનગર શહેરની મોટાભાગની ગાડીઓ લાકડીયા પુલ થઇ નિરમાના પાટીયા પર થઇને ચાલી રહી છે જે શોર્ટ રૂટ ૧૭ કિમીનો જ થાય છે. રૂટ ૩૫ કિમીનો થતો હોય ટોલટેક્સ નારીચોકડીથી ગણવામાં આવે છે. આમ વપરાશ ૧૭ કિમીનો થાય છે. જ્યારે ટોલ ટેક્સ ૩૫ કિમીનો ઉઘરાવાતો હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટ એસો. દ્વારા ઉઠવા પામી છે. જેમાં યોગ્ય રાહત કરવા માંગણી ઉઠી છે.
Home > Saurashtra > Bhavnagar > ભાવનગર ટ્રાન્સપોર્ટ એસો.એ ભાડામાં 7 થી 8 ટકાનો વધારાનો નિર્ણય કર્યો.